Virat Kohli In T20 World Cup Semi-final: વિરાટ કોહલી ટી20 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. ટૂર્નામેન્ટમાં તે અત્યાર સુધી ફ્લૉપ બેટ્સમેન તરીકે સાબિત થયો છે. ભારતીય ટીમે આજે એટલે કે 27 જૂન ગુરુવારે ઈંગ્લેન્ડ સામે ટૂર્નામેન્ટની સેમિફાઈનલ રમવાની છે. સેમિફાઈનલમાં વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. કોહલી ભલે આ ટી20 વર્લ્ડકપમાં ફ્લૉપ રહ્યો હોય, પરંતુ આજ સુધી કિંગ કોહલી ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં એક પણ વખત ફ્લૉપ સાબિત થયો નથી.


આવી સ્થિતિમાં કોહલીને આજે ઈંગ્લેન્ડ સામે રન બનાવવાની પૂરી આશા છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપની ત્રણ સેમિફાઈનલમાં બેટિંગ કરી છે અને ત્રણેય વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. છેલ્લી વખતે, 2022 ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં કોહલીએ ધાંસૂ ઇનિંગ રમીને 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. તે પહેલા, 2016 ટી20 વર્લ્ડકપમાં કોહલીએ સેમિફાઇનલમાં 47 બોલમાં 89* રન બનાવ્યા હતા. કિંગ કોહલી પ્રથમ વખત 2014માં ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલ રમ્યો હતો, જ્યારે તેણે 44 બોલમાં 72* રન બનાવ્યા હતા.


ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં કોહલીનો સ્કૉર 
72*(44 બોલ) રન - ટી20 વર્લ્ડકપ સેમિ-ફાઇનલ 2014
89*(47 બોલ) રન - ટી20 વર્લ્ડકપ સેમિ-ફાઇનલ 2016
50 (40 બોલ) રન - ટી20 વર્લ્ડકપ સેમિ-ફાઇનલ 2022


2024ના ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી ફ્લૉપ રહ્યો છે કોહલી 
નોંધનીય છે કે અત્યાર સુધી વિરાટ કોહલી 2024 ટી20 વર્લ્ડકપમાં ફ્લૉપ દેખાયો છે. અત્યાર સુધી તેણે પોતાના બેટથી અડધી સદી ફટકારી નથી. કોહલીએ અત્યાર સુધી ટૂર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં તે બે વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. 6 ઇનિંગ્સમાં, કોહલીએ 11ની એવરેજ અને 100ની સ્ટ્રાઇક રેટથી 66 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઇ સ્કૉર 37 રન હતો. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં કોહલી કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.