Team India Coach: T20 વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ભારતના ખરાબ પ્રદર્શન અને કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક્શન મોડમાં છે. BCCI ટીમ મેનેજમેન્ટ સહિત અન્ય બાબતે પણ સપાટો બોલાવવાનું શરૂ કરીદીધું છે. સાથે જ કેટલીક નવી નિમણૂંકો કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આ બાબતે ટૂંક સમયમાં જ એક મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.
BCCI પસંદગી સમિતિને હટાવ્યા બાદ વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. ટી-20 ટીમમાં નવો કેપ્ટન લાવવાની સાથે ટીમ માટે અલગથી મુખ્ય કોચની નિમણૂક કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. હાલમાં, રાહુલ દ્રવિડ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમને કોચિંગ આપી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં એવું જોવા મળી શકે છે કે દ્રવિડનું કામ માત્ર ટેસ્ટ અને વન ડે ફોર્મેટ પૂરતું જ મર્યાદિત રહી જાય. સતત બે T20 વર્લ્ડ કપમાં નિરાશ થયા બાદ હવે બોર્ડ આ ફોર્મેટને સંપૂર્ણપણે અલગ રીતે ચલાવવાનું વિચારી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુંસાર, BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, ટીમ સતત હારવું પોસાય તેમ નથી અને હવે અમે કોઈ તક લેવા માંગતા નથી. અમે રોહિત શર્મા સાથે વાતચીત કરી રહ્યા છીએ અને તે T20 ફોર્મેટમાં નવા કેપ્ટનની નિમણુંકને લઈને સહજ છે. અમે રાહુલ સાથે પણ એવું જ કરીશું. તેમાં કોઈ શંકા નથી કે રાહુલ એક દિગ્ગજ ખેલાડી છે, પરંતુ હાલ તેના પર ઘણો બધો ભાર છે અને અમે તેને ઘટાડવા માંગીએ છીએ. અમે ટૂંક સમયમાં તેને મળીશું.
ધોનીને ટી20 ટીમમાં થઈ શકે છે એન્ટ્રી
ધોનીને ભારતીય T20 ટીમમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. માનવામાં આવે છે કે, ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન રમીને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે અને BCCI આ તક ગુમાવવા માંગતું નથી. ધોની આ રમતને સારી રીતે સમજે છે અને તે આ ફોર્મેટ માટે ખેલાડીઓને સારી રીતે તૈયાર કરી શકે છે. ધોનીને ટીમનો ડાયરેક્ટર ઓફ ક્રિકેટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો તે આવશે તો તેને કેટલાક એવા ખેલાડીઓ સોંપવામાં આવશે જેમને તૈયાર કરવાની જવાબદારી તેની પોતાની રહેશે.
BCCIએ એક જ ઝાટકે આખી સિલેક્શન કમિટીનું ફિંડલુ વાળી દીધું
T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ મંગાવી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાષ્ટ્રીય પસંદગીકારો (સિનિયર મેન્સ ટીમ)ના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમણે તેમની અરજીને ધ્યાનમાં લેવાના માપદંડોને સંતોષવા આવશ્યક છે.