Indian Cricket Team Open Bus Tour: ભારતીય ટીમે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ચાહકોને ખુશી આપી છે. 2024 ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતીને ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. રોહિત એન્ડ કંપની બાર્બાડૉસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી20 ચેમ્પિયન બની હતી. હવે સ્વદેશ પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા ચમકતી ટ્રોફી સાથે ખુલ્લી બસમાં મુંબઈનો પ્રવાસ કરી શકે છે. આ પહેલા ધોની એન્ડ કંપનીએ 2007 ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ આવું કર્યું હતું.


16 વર્ષ પહેલા, જ્યારે ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં પ્રથમ ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો, ત્યારે ધોનીની ટીમે મુંબઈમાં ટ્રોફી સાથે બસ પરેડ યોજી હતી. 2007 ટી20 વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી.


હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ટીમ ઈન્ડિયા 16 વર્ષ જૂનો સીન રિપીટ કરી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમ બાર્બાડૉસથી પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા ખુલ્લી બસમાં ટ્રોફી સાથે મુંબઈ જઈ શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે આવી નથી.


બારબાડૉસમાં ફસાઇ હતી ટીમ ઇન્ડિયા 
2024 ટી20 વર્લ્ડકપની ફાઈનલ 29 જૂન, શનિવારે બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટાઈટલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ચક્રવાતી વાવાઝોડા- તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. જો કે, હવે મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે ટીમ ઈન્ડિયા BCCIની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા બાર્બાડોસથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે અને ગુરુવારે સવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે.


ભારતે જીત્યો ટી20 વર્લ્ડકપનો બીજો ખિતાબ 
નોંધનીય છે કે ટી20 વર્લ્ડકપની પ્રથમ આવૃત્તિ 2007માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. આ પછી, મેન ઇન બ્લૂને ફોર્મેટનું બીજું ટાઇટલ જીતવામાં 17 વર્ષ લાગ્યાં. જોકે, આ દરમિયાન ભારતે ODI વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.