Indian Team Return From Barbados: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024નું સમાપન થઇ ચૂક્યુ છે. ભારતીય ટીમ નવી ચેમ્પિયન્સ બની ચૂકી છે, પરંતુ હજુ સુધી ભારત પરત આવી શકી નથી. ભારતીય ટીમ છેલ્લા કેટલાક દિવસોથી બાર્બાડૉસમાં અટવાયેલી હતી. 


ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતનારી ટીમ ઈન્ડિયાને ચક્રવાતી તોફાન- વાવાઝોડાના કારણે બાર્બાડૉસમાં જ રહેવાની ફરજ પડી હતી. ટૂર્નામેન્ટની ફાઇનલ- ટાઈટલ મેચ 29 જૂન શનિવારના રોજ બાર્બાડોસમાં રમાઈ હતી. આ પછી બીજા જ દિવસે વાવાઝોડાના કારણે બાર્બાડૉસનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું અને ત્યાંની સ્થિતિ અસાધારણ બની ગઈ. હવે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમ બીસીસીઆઈની સ્પેશિયલ ફ્લાઈટથી ભારત માટે રવાના થઈ ગઈ છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાને લઈને BCCIની સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હીમાં ઉતરશે. ટી20 ચેમ્પિયનને લાવનારી આ ફ્લાઈટ આવતીકાલે એટલે કે ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે દિલ્હી પહોંચશે. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ટીમ ઈન્ડિયા બુધવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે પરંતુ આવું થઈ શક્યું નહીં.


બારબાડૉસમાં ઓછી થઇ વાવાઝોડાની અસર 
બાર્બાડૉસમાં વાવાઝોડું શમી ગયું છે, જેના કારણે ભારતીય ટીમ વિશેષ ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ છે. બાર્બાડૉસના વડાપ્રધાન મિયા એમોર મોટલીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા અને કહ્યું કે તેમણે કેટલાક સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું હશે કે હવે તોફાનની અસર ઘણી ઓછી થઈ ગઈ છે અને ધીમે ધીમે ત્યાં વસ્તુઓ સામાન્ય થઈ રહી છે.






બીસીસીઆઇએ પણ આપી પરત ફરવાની હિન્ટ 
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ સોશિયલ મીડિયા દ્વારા ટીમ ઈન્ડિયાની વાપસી અંગે સંકેત આપ્યા હતા. બોર્ડે સોશિયલ મીડિયા પર ટી20 વર્લ્ડકપ ટ્રોફીની ટૂંકી ક્લિપ શેર કરી અને લખ્યું, "તે ઘરે આવી રહી છે." ટીમ ઈન્ડિયાની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


 






-