નવી દિલ્હીઃ કોરના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. જે બાદ આજે આઈપીએલ સીઝન 13ને આગામી આદેશ સુધી ટાળી દેવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.


બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ટૂર્નામેન્ટને હાલ રદ્દ કરી દેવામાં આવી છે અને આઈપીએલ 2020 રમાશે કે નહીં તેનો આગામી 2 મહિનામાં ફેંસલો થઈ જશે. લોકડાઉન વધતાં અને દેશની વર્તમાન સ્થિતિને જોતા હવે બીસીસીઆઈ પાસે આઈપીએલ રમાડવાને લઈ ખૂબ ઓછા વિકલ્પ બચ્યા છે. આ સ્થિતિમાં તેને અનિશ્ચિતકાળ સુધી ટાળી દેવાનો એક માત્ર વિકલ્પ બોર્ડ પાસે બચ્યો હતો.

રિપોર્ટ પ્રમાણે જો ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન નહીં થાય તો 5000થી 7000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ પહેલા આઈપીએલને આયોજિત કરવા માટે ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ અલગ-અલગ સૂચન કર્યા હતા.

બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, અમે એક જવાબદાર સંસ્થા છીએ અને પહેલા દેશ ઉભો થઈ જાય તેમ ઈચ્છીએ છીએ. જે બાદ અમે ક્રિકેટ અને આઈપીએલ અંગે વાત કરીશું.

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન સહિતની તમામ સ્પોર્ટ્સ એક્ટિવિટી હાલ બંધ કરી દેવામાં આવી છે.