Indian Team Head Coach Applications: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે અરજીઓ મંગાવી છે. ભારતીય પુરુષ સિનિયર ટીમના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડ છે અને તેમનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં ટી-20 વર્લ્ડકપ યોજાશે. ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમને નવો કોચ મળી શકે છે. આ માટે અરજી પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.






બીસીસીઆઇએ સોમવારે મોડી રાત્રે હેડ કોચ માટેના ઉમેદવારની જાહેરાત બહાર પાડી હતી. ઉમેદવારો 27 મે સોમવારે સાંજે છ વાગ્યે એપ્લાય કરી શકશે. કોચની અરજીઓની સમીક્ષા બાદ તેમના પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોનું મૂલ્યાંકન કરવામાં આવશે. બીસીસીઆઇના હેડ કોચ માટ અરજી કરનારા ઉમેદવારો માટે કેટલીક ક્વોલિફિકેશન અને શરતો રાખવામાં આવી છે.



  • ઓછામાં ઓછી 30 ટેસ્ટ અને 50 વન-ડે મેચનો અનુભવ જરૂરી છે.

  • ફૂલ મેમ્બર ટેસ્ટ પ્લેઇંગ નેશનના ઓછામાં ઓછો બે વર્ષ સુધી હેડ કોચનો અનુભવ પણ ફરજિયાત છે.

  • એસોસિયેટ મેમ્બર અથવા આઇપીએલ ટીમ અથવા તેના સમકક્ષ ઇન્ટરનેશનલ લીગ અથવા ફર્સ્ટ ક્લાસ અથવા નેશનલ એ ટીમના ઓછામા ઓછા ત્રણ વર્ષનો હેડ કોચ રહ્યા હોય.

  • બીસીસીઆઇ લેવલ 3 અથવા તેના સમકક્ષ સર્ટિફિકેશન હોવા જોઇએ.

  • ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઇએ


 


નવા કોચનો કાર્યકાળ કેટલો રહેશે?


નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે, જે 31 ડિસેમ્બર, 2027 સુધી ચાલશે. નવા મુખ્ય કોચના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા કુલ 5 ICC ટ્રોફી રમશે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2ના સમયગાળાનો સમાવેશ થાય છે.


 રાહુલ દ્રવિડ મુખ્ય કોચ ક્યારે બન્યા?


 રાહુલ દ્રવિડ નવેમ્બર 2021માં સિનિયર પુરૂષ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા. 2023માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ BCCIએ થોડા દિવસો માટે કાર્યકાળ લંબાવ્યો હતો. રાહુલ દ્રવિડની સાથે કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો, જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેનો સમાવેશ થાય છે. જેમ કે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ પદ માટે ફરીથી અરજી કરી શકે છે.