Asia Cup 2023: એશિયા કપ વર્ષ 2023માં પાકિસ્તાનમાં રમાવાનો છે. આ માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તે મોટો પ્રશ્ન હતો. પરંતુ BCCI સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ જય શાહે 91મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ આગામી એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ પહેલા પણ એવી અટકળો હતી કે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
બીસીસીઆઈએ વિનંતી કરી હતી...
બીસીસીઆઈએ એશિયા કપ 2023 વિશે કહ્યું હતું કે, તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલને પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં એશિયા કપનું આયોજન કરવા વિનંતી કરશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટીમ ICC ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે, પરંતુ ટીમ માટે એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવો ખૂબ મુશ્કેલ છે. નોંધનીય છે કે જય શાહે એમ પણ કહ્યું છે કે, એશિયા કપ 2023 પાકિસ્તાન સિવાય બીજા કોઈ તટસ્થ સ્થળે યોજવો જોઈએ.
છેલ્લી ટુર્નામેન્ટ શ્રીલંકામાં રમાવાની હતી
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022નો એશિયા કપ પહેલાં શ્રીલંકામાં રમાવાનો હતો, પરંતુ ત્યાંની પરિસ્થિતિને જોતા સ્થળ બદલવામાં આવ્યું હતું. શ્રીલંકાની જગ્યાએ એશિયા કપ-2022 UAEમાં રમાયો હતો. હવે આ વખતે પણ એશિયા કપના સ્થળમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવતા વર્ષે એશિયા કપ ક્યાં રમાશે તે અંગે કંઈ સ્પષ્ટ નથી થયું.
2013 થી ભારત અને પાકિસ્તાને નથી રમી કોઈ સિરીઝઃ
તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. પાકિસ્તાનની ટીમે 2012-13માં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં 3 T20 આંતરરાષ્ટ્રીય અને વનડે મેચ રમાઈ હતી. આ પછી બંને ટીમો માત્ર એશિયા કપ અને વર્લ્ડ કપમાં જ સામ-સામે રમી છે.
એશિયા કપ 2022માં શ્રીલંકાની ટીમ ચેમ્પિયન રહી હતી. ટીમ ઈન્ડિયા સુપર ફોરની મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી જેથી એશિયા કપની ફાઈનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ સાથે એશિયા કપમાં વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે પોતાની 71મી સદી અને ટી20 કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. આ સાથે વિરાટ કોહલી ફોર્મમાં પણ જોવા મળ્યો હતો.