નવી દિલ્હીઃ યુએઇમાં રમાઇ રહેલી આઇપીએલ-13 દરમિયાન એરોન ફિન્ચની એક ખરાબ હરકત કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિન્ચ શનિવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઇ-સિગારેટ પીતો દેખાયો હતો.

આ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે સાત વિકેટે જીત મેળવી હતી, પરંતુ મેચની અંતિમ ઓવરમાં જ્યારે બેંગ્લૉરને 10 રનોની જરૂર હતી, કેમેરો બેંગ્લૉરના ડ્રેસિંગ રૂમ તરફ ગયો, અને ખેલાડીઓના ચહેરાઓને કેદ કરવામાં આવ્યા, ત્યારે ટેન્શનમાં આવી ગયેલા ફિન્ચને ઇ-સિગારેટ પીતો જોવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો અને લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા હતા.

ફિન્ચની આ ખરાબ હરકતથી સોશ્યલ મીડિયા પર લોકો ભડક્યા હતા, એક યૂઝરે ટ્વીટ કર્યુ- આઇપીએલ, શું ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટ પીવી માન્ય છે? રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, શું તમારી પાસે કહેવા માટે કંઇ છે. વિરાટ કોહલી ફિન્ચથી થોડોક આગળ ઉભો હતો, હું ચોક્કસપણે કહી શકીશ કે તેને આ જોયુ હશે, જે મે જોયુ.



ઉલ્લેખનીય છે કે, આઇપીએલની 13મી સિઝનની 33મી મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના નામે રહી, શનિવારે દુબઇમાં રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટે હાર આપી હતી. આરસીબીએ 179/3 બનાવીને જીત હાંસલ કરી લીધી હતી.