IPL 2020: કર્ણાટક માટે રમનાર લેગ સ્પિનર પ્રવીણ દુબેને દિલ્હી કેપિટલ્સે ટીમમાં સામેલ કર્યો છે. 27 વર્ષના દુબે ઇજાગ્રસ્ત અમિત મિશ્રાનું સ્થાન લેશે. આઈપીએલમાં 150થી વધારે વિકેટ લેનાર અમિત મિશ્રાને 3 ઓક્ટોબરના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ મેચમાં ઇજા થઈ હતી. ઇજાને કારણે મિશ્રા સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો.


આઝમગઢનો રહેવાસી છે પ્રવીણ દુબે

યુપીના આઝમગઢમાં જન્મેલ પ્રવીણ દુબે કર્ણાટક તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. આઈપીએલ 2016ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને 35 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ વર્ષ 2016 અને 2017માં બેંગલોરની ટીમમાં રહેવા છતાં તેને કોઈ મેચ રમવાની તક મળી ન હતી. વિતેલા વર્ષ દુબેએ કર્ણાટકના સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા હતી. તેણે ટી20ની આ ઘરેલુ ટૂર્નામેન્ટની 6 મેચમાં 8 વિકેટ લીધી હતી. તેની ઇકોનોમી રેટ માત્ર 6.89 રહ્યો હતો.

ટી20ના શાનદાર બોલર

ઘરેલુ ક્રિકેટમાં પ્રવીણ દુબેએ 14 ટી20 મેચ રમ્યો છે. દુબેએ માત્ર 19.12ની સરેરાશથી 16 વિકેટ લીધી છે. દુબેની ઇકોનોમી રેટ 6.87 છે. પ્રવીણ દિલ્હીની ટીમના ચોથા સ્પિનર છે. દિલ્હીની ટીમમાં હાલમાં આર અશ્વિન, અક્ષર પટેલ અને સંદીપ લામિછાને છે.