નવી દિલ્હીઃ મુંબઇના યુવા ક્રિકેટર યશસ્વી જાયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ વીસ લાખ રૂપિયા હતી. પંજાબે આ ક્રિકેટર માટે 80 લાખ રૂપિયા અને કેકેઆરે 1.9 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સની બોલી બે કરોડ રૂપિયા પર પહોંચી ગઇ હતી તો અંતમાં રાજસ્થાન  રોયલ્સે યશસ્વી જાયસ્વાલને 2.4 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.


નોંધનીય છે કે મુંબઇનો બેટ્સમેન યશસ્વી વિજય હઝારેની ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે. તે સિવાય તેણે ઝારખંડ વિરુદ્ધ વિજય હઝારે ટ્રોફીમાં ગ્રુપ-એના મેચમાં 203 રનની  ઇનિંગ રમી હતી.

ઉત્તર પ્રદેશના ભદોહીએ આ કિશોર માટે ક્રિકેટર બનવાનો રસ્તો સરળ રહ્યો નહોતો. 2012માં ક્રિકેટના સ્વપ્ન સાથે પોતાના કાકા પાસે મુંબઇ પહોંચ્યો હતો. તે સમયે તે ફક્ત 11 વર્ષનો હતો. તે એક ડેરીમાં રાત પસાર કરતો. બે સમયનું જમવા માટે ફૂડ વેન્ડરને ત્યાં કામ શરૂ કર્યુ. રાત્રે તે પાણીપૂરી વેચતો હતો.

યશસ્વી લિસ્ટ-એ મેચમાં વન-ડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી ઓછી ઉંમરનો ક્રિકેટર છે. અત્યાર સુધી તેણે પાંચ લિસ્ટ-એ મેચમાં 504 રન બનાવ્યા છે.