દુબઈઃ રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે રાહુલ તેવટિયા અને પરાગ રયાનની જોરદાર બેટિંગના સહારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 159 રન ચેઝ કરીને અકલ્પનિય વિજય મેળવ્યો. રાજસ્થાન રોયલ્સને છેલ્લી 4 ઓવરમાં 54 રનની જરૂર હતી અને 5 વિકેટ પડી ગઈ હતી તેથી રાજસ્થાન જીતે તેવી આશા કોઈને નહોતી.

જો કે તેવટિયા અને છઠ્ઠી વિકેટ માટે 7.5 ઓવરમાં 85 રન જોડીને સીઝનમાં બીજીવાર ટીમને હારેલી મેચ જિતાડી. આ મેચમાં તેવટિયાને નસીબે પણ સાથ આપ્યો હતો. ઇનિંગ્સની 18મી ઓવર રશિદ ખાન નાંખતો હતો ત્યારે તેવટિયા નસીબના જોરે બચી ગયેલો. રાશિદે પ્રથમ બોલે સિંગલ લઈને રિયાન પરાગે તેવટિયાને સ્ટ્રાઇક આપી હતી. તેવટિયાએ સળંગ ત્રણ બાઉન્ડ્રી ફટકારી પછી પાંચમા બોલે તેવટિયા નસીબના જોરે બચી ગયો હતો.

રાશિદની બોલિંગમાં કટ મારવા જતાં બોલ ઇનસાઇડ એજ લઈને વિકેટકીપર બેરસ્ટોના પેડને અડકીને સ્ટમ્પ પર આવ્યો હતો. એ વખતે તેવટિયા ક્રીઝની બહાર હતો તેથી બેલ્સ પડી હોત તો તેવટિયા આઉટ થઈ ગયો હોત. જો કે બોલ સ્ટમ્પને અડકતાં લાઈટ થઇ પરંતુ સ્ટમ્પ પરની ઝિંગ બેલ્સ પડી નહીં તેથી તેવટિયા બતી ગયો. આમ નસીબે પણ તેવટિયાનો સાથ આપ્યો. છઠ્ઠા બોલે લેગ બાયનો સિંગલ લીધો લઈને તેવટિયાએ 19મી ઓવરમાં નટરાજનની બોલિંગમાં ફોર અને સિક્સ મારીને મેચમાં માત્ર ફોર્માલિટી બાકી રાખી હતી. તેણે 28 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 160.71ની સ્ટ્રાઇક રેટે અણનમ 45 રન કર્યા હતા અને મેન ઓફ ધ મેચનો અવોર્ડ જીત્યો.