દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દરેક સીઝનમાં પ્લેઓફમાં પહોંચનાર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) આ વખતે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે છે અને અંતિમ ચાર ટીમમાં સ્થાન મેળવી શકે એવું લાગતું નથી. 10 મેચમાં 7 હાર અને 3 જીત સાથે માત્ર 6 પોઇન્ટ્સ સાથે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ કારણે આઈપીએલમાંથી ફેંકાઈ જનારી પહેલી ટીમ ચેન્નાઈ બને એવી પૂરી શક્યતા છે.


ચેન્નાઈનો નેટ રન રેટ પણ ખરાબ છે તેથી ધોનીએ પણ  રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પછી સંકેત આપ્યો કે, તેને પણ નથી લાગતું કે CSK પ્લેઓફમાં પહોંચશે. ધોનીએ કહ્યું કે, આ સીઝન તેમના માટે સમાપ્ત થઈ ગઈ છે.  ધોનીએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે આ સીઝનમાં અમે સરખું રમ્યા જ નહિ. અમે અમારી ક્ષમતા અનુસાર મેદાન પર હતા જ નહીં. જરૂરી નથી કે દર વખતે વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ જ થાય. અમારે જોવું પડશે કે શું અમે જે પ્રોસેસ ફોલો કરતા હતા એ ખોટી હતી?

સોમવારે અબુ ધાબી ખાતે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ પસંદ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 125 રન જ કર્યા.  રાજસ્થાને 15 બોલ બાકી રાખી હતા ત્યારે આ સ્રો વટાવીને 7 વિકેટે મેચ જીતી લીધી.

ધોનીને સૂર નિરાશાજનક છે પણ આંકડાની રીતે જોઈએ તો ચેન્નાઈ હજુ ક્વોલિફાય કરી શકે છે. ચેન્નાઈ બાકીની ચારેય મેચ મોટા માર્જીનથી જીતે તો 14 પોઇન્ટ્સ થાય. સારી નેટ રનરેટના આધારે ચેન્નાઈ ક્વોલિફાઇ કરી શકે તેમ છે. ગઈ સીઝનમાં હૈદરાબાદ 12 પોઇન્ટ્સ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થયું હતું એ જોતાં ચેન્નાઈ માટે તક છે.