દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ટાઈ થઈ પછી સુપર ઓવર પણ ટાઈ થતાં બીજી સુપર ઓવરમાં પંજાબે 4 બોલમાં 12 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો. પંજાબે જોરદાર પ્રદર્શન કરીને નંબર વન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું પણ પંજાબનો સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઈલ ભારે ગુસ્સે થઈ ગયો હતો.


ગેલ પોતાની સાથે સુપર ઓવરમાં ઓપનિંગમાં આવનારા મયંક અગ્રવાલ પર પણ ભડક્યો હતો કેમ કે અગ્રવાલે તેને પૂછ્યું હતું કે, તમે નર્વસ છો ? ગેલે કહ્યું કે, હું ક્યારેય પણ નર્વસ ન હતો પણ હું એ કારણે ગુસ્સામાં હતો કે આપણી ટીમ 20 ઓવરમાં મેચ જીતી શકે તેમ હતી છતાં જીતની બાજીને ટાઈમાં પલટી નાંખી તેથી આ સ્થિતિનો સામનો કરવો પડ્યો. ગેલે કહ્યું કે, આ ક્રિકેટનો ખેલ છે અને આવું થતું રહે છે.

પહેલાં બેટિંગ કરતાં મુંબઈએ 6 વિકેટે 176 રન બનાવ્યા અને જવાબમાં પંજાબની ટીમે પણ 6 વિકેટ પર 176 રન બનાવતાં મેચ ટાઈ થઈ હતી. વિજેતાનો નિર્ણય સુપર ઓવર મારફતે નક્કી થવાનો હતો, પણ સુપર ઓવર પણ ટાઈ થતાં બીજી સુપર ઓવર રમવાનો વારો આવ્યો હતો જેમાં પંજાબ જીતી ગયું.