નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન હવે ટળી ગઇ છે. કોરોનાના ખતરાને લઇને આઇપીએલ હવે 29 માર્ચે નહીં પણ 15મી એપ્રિલથી શરૂ થશે. કોરોનાને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટને રિશિડ્યૂલ કરવામાં આવી છે.

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની હતી, જે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવવાની હતી. તે હવે પ્રથમ મેચ તરીકે 15મી એપ્રિલે રમાશે.

સુત્રો અનુસાર, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલ 2020ને રિશિડ્યૂલ કરવાનો ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલ્હી સરકારે કોરોનાને મહામારી જાહેર કરીને શહેરમાં આઇપીએલની મેચો રમાડવાનો ઇનકાર કરી દીધો હતો.