નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મીં સીઝનમાં લીગની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનના કારણે આકરી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સીએસકેની હાર બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાની વાપસીને લઈને અભિયાન શરું કરી દીધું છે. પંરતુ ચેન્નઈની ટીમના સીઈઓ સ્પષ્ટ કર્યું છે કે, આ સીઝનમાં રૈનાનું રમવું શક્ય નથી.

આઈપીએલમાં બીજા સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈના કોરોના વાયરસના ખતરાના કારણે આ સીઝનમાં રમી રહ્યો નથી. સીએસકેના સીઈઓએ કહ્યું કે, “રૈનાએ જણાવ્યું છે કે, તે આ સીઝનમાં રમી શકશે નહીં. અમે રૈનાના નિર્ણયનનું સન્માન કરીએ છીએ. અમે રૈનાને પરત લેવા અંગે વિચાર નથી કરી રહ્યા. ”

CSKએ અંબાતી રાયડૂની વાપસીની પુષ્ટી કરી દીધી છે. સીઈઓનું કહેવું છે કે, રાયડૂ 2 ઓક્ટોબરે રમાનારી મેચમાં ભાગ લેશે. રાયડૂ ઈજાના કારણે ગત બે મેચ રમી શક્યો નથી અને તેમના ન હોવા પર ટીમના મિડલ ઓર્ડર ખૂબજ કમજોર નજર આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સે રાયડૂની 71 રનની ઈનિંગની મદદથી લીગમાં વિજય સાથે શાનદાર શરૂઆત કરી હતી.

સીઈઓએ સીએસકેની જોરદાર વાપસીનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, “અમારી ટીમને ફેન્સ સૌથી વધુ પસંદ કરે છે. અમે તેમને વિશ્વાસ અપાવવા માંગીએ છે કે, સીએસકેની ટીમ આ સીઝનમાં જોરદાર વાપસી કરશે, અમે ફેન્સના ચેહરા પર ખુશી પરત લાવીશું. ”