દુબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 97 રને હાર આપી હતી. આ મેચમાં પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે શાનદાર અણનમ 132 રન ફટકાર્યા હતા. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 206 રન ફટકાર્યા હતા જેની સામે બેંગ્લોરની ટીમ 109 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

મેચમાં  કોહલીએ લોકેશ રાહુલના બે વખત કેચ છોડ્યા હતા જે આરસીબીને ભારે પડ્યા હતા. પ્રથમ કેચ 17મી ઓવરમાં સ્ટેનની બોલિંગમાં છોડ્યો હતો. તે સમયે રાહુલ 83 રને રમી રહ્યો હતો જ્યારે બીજો કેચ 18મી ઓવરમાં નવદીપની ઓવરમાં છોડ્યો હતો. તે સમયે લોકેશ રાહુલ 89 રને રમી રહ્યો હતો. પરિણામે લોકેશે અંતિમ નવ બોલમાં બોલમાં 42 રન ફટકાર્યા હતા જેમાં પાંચ સિક્સ અને 3 ચોગ્ગા સામેલ છે.કેપ્ટન લોકેશ રાહુલે આ લીગમાં ભારતીય દ્વારા કરવામાં આવેલો સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો.