મુંબઈ: દિલ્હી કેપિટલ્સના હાથે પ્રથમ મેચમાં હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બેહરેનડોર્ફ (Jason Behrendorff) અને સાઉથ આફ્રિકાના લૂંગી એનગિડી (Lungi Ngidi) પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાનારી મેચમાં ઉપલબ્ધ નહીં રહે. સીએસકેના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આ વાતની પુષ્ટી કરી છે.
જોશ હેઝલવુડની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા બેહરેનડોફ્ર અત્યાર સુધી ટીમ સાથે જોડાયો નથી અને એનગિડીનો સાત દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ હજુ પૂરો થયો નથી.
દિલ્હી સામે હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં ફ્લેમિંગે જણાવ્યું કે, “એનગિડી આગામી મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. પહેલા આ દરમિયાન જોશ હેઝલવુડ અમારી યોજનાનો હિસ્સો હતો પરંતુ તેણે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લેતા અમારા માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. આશા છે કે, એનગિડી જલ્દીજ ટીમ સાથે જોડાશે. ” તેમણે વધુમાં કહ્યું કે, બેહરેનડોર્ફ જલ્દીજ આપણી સાથે જોડાશે. હાલમાં અમારું બોલિંગ આક્રમણ થોડુ કમજોર લાગી રહ્યું છે. પરંતુ અમારી પાસે પ્રતિભાશાળી ભારતીય બોલરો સાથે સેમ કર્રનનો વિકલ્પ છે.
આ ઉપરાંત સીએસકેના કોચે કહ્યું કે, સુરેશ રૈના (Suresh Raina) ની વાપસીથી ટીમને મજબૂતી મળી છે. તેમણે કહ્યું કે, તેને ફરી ટીમમાં રમતો જોવું સુખદ અનુભવ હતો. તેની 36 બોલમાં 54 રનની ઈનિંગ શાનદાર હતી. અમે ઈચ્છીએ છે કે રૈના જલ્દી જ પોતાના ફોર્મને પરત મેળવી લે. બોલિંગમાં અમારા માટે નિરાશાજનક રહ્યું.
ધોની સ્લૉ ઓવર રેટના કારણે દંડાયો
ચેન્નાઇ સુપર કિંગ્સ પોતાની પહેલી મેચમાં જ નિર્ધારિત સમય દરમિયાન 20 ઓવર બૉલિંગ ના કરી શકી. સ્લૉ ઓવર રેટના કારણે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલુ જ નહીં જો ધોનીની ટીમ આ સિઝનમાં ફરીથી આ ભૂલ કરશે તો એમએસ ધોનીને એક મેચ માટે બહાર પણ બેસવુ પડી શકે છે.
મેચ હાઇલાઇટ્સ....
પોતાની પહેલી (દિલ્હી કેપિટલ્સના) કેપ્ટન તરીકેની મેચ રમી રહેલા ઋષભ પંતે ટૉસ જીતીને ધોનીની ટીમ સીએસકેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમે 20 ઓવર રમી 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે જબરદસ્ત શરૂઆત કરતા પૃથ્વી શૉ અને શિખર ધવને મજબૂત પાંયો નાંખ્યો અને અંતે દિલ્હી કેપિટલ્સની ટીમ 3 વિકેટના નુકશાને 18.4 ઓવરમાં 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ખાસ વાત છે કે, ઋષભ પંતે કેપ્ટન તરીકે પોતાની ગુરુ મહેન્દ્ર સિંહ ધોની સામે જ પોતાની કેપ્ટનશીપની પ્રથમ મેચ જીતીને જોરદાર શરૂઆત કરી હતી.