RR vs PBKS:  કાર્તિક ત્યાગીએ આખરી ઓવરમાં માત્ર ૧ રન આપીને બે વિકેટ ઝડપતાં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે આઈપીએલ ટી-૨૦માં બે રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના ૧૮૬ના ટાર્ગેટ સામે પંજાબની ટીમ ચાર વિકેટે ૧૮૩ રન કર્યા હતા. પંજાબને જીતવા આખરે આખરી ઓવરમાં માત્ર ચાર જ રનની જરુર હતી અને તેમની આઠ વિકેટ સલામત હતી. આ તબક્કે રાજસ્થાનના કેપ્ટન સેમસને ત્યાગીને બોલ સોંપ્યો હતો. જેણે બાજી પલ્ટી નાંખી હતી.


કેવી રહી આખરી ઓવર


આખરી ઓવરમાં ડોટ બોલથી શરૃ કરનારા ત્યાગીએ બીજા બોલે એક રન આપ્યો હતો. જે પછી તેણે પૂરણને વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. હૂડા એક ડોટ બોલ બાદ વિકેટકિપર સેમસનના હાથે કેચઆઉટ થતાં પંજાબને જીતવા આખરી બોલ પર ત્રણ રનની જરુર હતી. નવો બેટ્સમેન એલન રન લઈ શક્યો નહતો અને રાજસ્થાન જીતી ગયું હતુ. પંજાબ તરફથી અગ્રવાલે ૬૭ અને રાહુલે ૪૯ રન કર્યા હતા. અગાઉ રાજસ્થાને જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી ૧૮૫ રન કર્યા હતા. પંજાબના અર્ષદીપે પાંચ વિકેટ ઝડપી હતી.


મેચ બાદ શું બોલ્યો કાર્તિક ત્યાગી


મેચ બાદ કાર્તિક ત્યાગીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારતમાં આઈપીએલના પ્રથમ તબક્કામાં હું ઘાયલ થયો હતો. જ્યારે હું ઠીક થયો ત્યારે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી હુ દુખી થયો હતો. હવે મને સારું લાગી રહ્યું છે. હું વર્ષોથી મારા સીનિયર ખેલાડીઓ સાથે વાત કરતો આવ્યો છું અને તેઓ મને શું કરવાનું છે તે જણાવતા આવ્યા છે. આ કારણે મારે મારા પર ભરોસો રાખવાની જરૂર છે.


અગાઉ યશસ્વી જયસ્વાલના ૪૯ અને મહિપાલ લોમરોરના ૧૭ બોલમાં ૪૩ની મદદથી રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામેની આઇપીએલ મેચમાં ૧૮૫નો સ્કોર નોંધાવ્યો હતો. રાજસ્થાનના ટોપ ઓર્ડરે આક્રમક સ્ટ્રોક્સ ફટકાર્યા હતા. જોકે મેચના અંત ભાગમાં પંજાબના બોલરોએ કમાલ દેખાડયો હતો. અર્ષદીપે માત્ર ૩૨ રન આપતાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીને ત્રણ વિકેટ મળી હતી.