Delhi Capitals vs Chennai Super Kings Qualifier 1: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ક્વોલિફાયર વનમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતુ. જ્યારે ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બીજા સ્થાને રહી હતી. આજની મેચને દિલ્હીની યુવા ટીમ સામે ચેન્નાઈના અનુભવી ખેલાડીઓના જંગ તરીકે પણ જોવામાં આવી રહી છે. ક્વોલિફાયર વનમાં જીતનારી ટીમ તારીખ ૧૫મી ઓક્ટોબરે રમાનારી ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવશે. જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર-ટુમાં રમવાની તક મળશે. જેમાં તેની સામે બેંગ્લોર-કોલકાતા વચ્ચે રમાનારી એલિમિનેટર મેચની વિજેતા ટીમ હશે.


કેટલા વાગે શરૂ થશે મેચ


દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦થી મેચનો પ્રારંભ થશે. દિલ્હી કેપિટલ્સની ટીમને પહેલી વખત આઇપીએલ ટાઈટલની તલાશ છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને ચોથા ટાઈટલની આશા છે. સુપર કિંગ્સની ગણના આઇપીએલના ઈતિહાસની સફળ ટીમોમાં થઈ રહી છે અને તેઓ આઠ વખત ફાઇનલ રમી ચૂક્યા છે. રસપ્રદ રેકોર્ડ એ છે કે, દિલ્હીની ટીમ તેની આખરી મેચમાં બેંગ્લોર સામે હારી ચૂક્યું છે. જ્યારે ચેન્નાઈની ટીમ પરાજયની હેટ્રિક બાદ હવે ક્વોલિફાયર-૧ રમવા ઉતરશે.


દિલ્હીનું બોલિંગ આક્રમણ છે મજબૂત


માર્કસ સ્ટોઈનીસની ઈજાને કારણે તેની ટીમનું સંતુલન ખોરવાઈ ગયું છે. શિમન હેટમાયરે ડેથ ઓવરોમાં સારી ભૂમિકા ભજવી હતી, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી. દિલ્હીની મજબૂત બાજુ તેની બોલિંગ છે. અવેશ ખાન (22 વિકેટ), અક્ષર પટેલ (15 વિકેટ), કાગિસો રબાડા (13 વિકેટ) અને એનરિક નોર્કિયા (09 વિકેટ) એ અત્યાર સુધી પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે.


વિકેટકિપર કેપ્ટન્સની ટીમો વચ્ચે ટક્કર


કેપ્ટન કૂલ તરીકેની ઓળખ મેળવી ચૂકેલો ધોની વિશ્વસ્તરે અનેક સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે. એક કેપ્ટન તરીકેનો તેનો અનુભવ બહોળો છે અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની તેની કુશળતા કાબિલેે તારિફ છે. બીજી તરફ પંત ટી-૨૦માં નેશનલ ટીમના ભાવિ કેપ્ટનનો દાવેદાર મનાય છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકેની તેની સફળતાએ ભારતીય ક્રિકેટના દિગ્ગજોને પ્રભાવિત કર્યા છે. ચેન્નાઈની બેટીંગ લાઈનઅપ ઈનફોર્મ ગાયકવાડની સાથે ડુ પ્લેસીસ અને રાયડુ પર વધુ આધારિત છે. રૈના, જાડેજા, બ્રાવો અને ધોની જેવા ધુરંધરો મેચનું પાસુ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમની બેટીંગ પૃથ્વી શૉ અને ધવનની ઓપનિંગ જોડીની સાથે સાથે શ્રેયસ ઐયર તેમજ હેતમાયર પર ટકેલી  છે. બંને ટીમોના બેટ્સમેનોએ આઇપીએલમાં શાનદાર ફોર્મ દેખાડયું છે અને હવે ખરાખરીના મુકાબલામાં તેઓ પર્ફોમન્સ આપીને ટીમને આગેકૂચ અપાવવા માટે ઉત્સુક છે.


દિલ્હીની પ્લેઇંગ ઇલેવન આવી હોઇ શકે છે


શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર અશ્વિન, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે અને અવેશ ખાન.