IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે.  આ ટૂર્નામેન્ટ 6 જગ્યાએ રમાશે. આઈપીએલની ઉદ્ઘાટન મેચ ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. તેની સાથે લીગની શરૂઆત થશે. દરેક સીઝનની જેમ આ વખતે પણ ઘણી અનેક દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ 2021 માં રમી રહી છે. જો કે, કેટલાક એવા ખેલાડીઓ છે જેમની આ સીઝન છેલ્લી હોઈ શકે છે.  ત્યારે જાણો, એવા કયા ખેલાડીઓ છે જેમની આ આઈપીએલની છેલ્લી સીઝન હોઈ શકે. 



એમએસ ધોની 


ગત સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પણ બેટિંગમાં નિષ્ફળ ગયો હતો. તેના આ ખરાબ પ્રદર્શનથી ચાહકો પણ નિરાશ થયા હતા. ગત સિઝનમાં ધોની રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ ધોની આઈપીએલ 2020 માં ક્રિકેટમાં પાછો ફર્યો હતો. ધોનીએ 25 મેચમાં 25ની સરેરાશ અને 116.27 ના નબળા સ્ટ્રાઇક રેટથી માત્ર 200 રન જ બનાવી શક્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી આઈપીએલ 2021માં રમી રહ્યો છે, પરંતુ આ સીઝન તેના માટે ખરાબ રહી તો કદાજ તે આગામી સીઝન નહીં રમે. 



હરભજન સિંહ 


ભારતનો અનુભવી સ્પિન બોલર હરભજન સિંહ (Harbhajan singh) દેશના સૌથી સફળ બોલરોમાંનો એક રહ્યો છે. તે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સાથે જોડાયેલો રહ્યો. જો કે, 2018માં ભજ્જી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. આઈપીએલ 2020 માં હરભજનસિંહે છેલ્લી ઘડીએ વ્યક્તિગત કારણો દર્શાવીને લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જ્યારે આ સીઝનમાં  કેકેઆર(KKR)એ 40 વર્ષીય બોલરમાં રસ દર્શાવ્યો હતો અને આઈપીએલ 2021 ની હરાજી દરમિયાન તેને ખરીદ્યો હતો. કેકેઆરમાં પહેલાથી જ ઘણા સ્પિનરો છે, એવામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે તેઓ કોને રમાડશે. હરભજન આઈપીએલ સિવાયના કોઈપણ ફોર્મમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં સક્રિય નથી. આવી સ્થિતિમાં આગામી સિઝનમાં રમવું ખૂબ મુશ્કેલ લાગે છે.


ઈમરાન તાહિર 


દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ લેગ સ્પિન બોલર ઇમરાન તાહિર (Imran tahir) તેની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. ઇમરાન આઈપીએલમાં ઘણી ટીમો તરફથી રમ્યો છે. તાહિરે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમીને 2019ની સીઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તાહિરે 2019 માં 26 વિકેટ લીધી હતી. જો કે, આઈપીએલ 2019 માં શાનદાર પ્રદર્શન કરવા છતાં 42 વર્ષીય ખેલાડીએ આઈપીએલ 2020 માં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો. તેને 2020 માં માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી. જેમાં તે માત્ર એક વિકેટ લઈ શક્યો હતો. આમ, આ વર્ષે ઇમરાન તાહિરને સીએસકે (CSK) ટીમમાં સ્થાન મળવાની સંભાવના અસંભવિત લાગે છે, કેમ કે મોઇન અલી તેનો ફેવરિટ રહેશે. ઇમરાન તાહિરની આગામી સીઝનમાં કોઈ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદગી કરવામાં આવે તેવી સંભાવના ખૂબજ ઓછી છે.  એવામાં તાહિરની આ આઈપીએલ સિઝન છેલ્લી હોઈ શકે છે.