IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની તૈયારી શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ આગામી વર્ષે રમાનારી ટુર્નામેન્ટના શેડ્યૂલ ફાઈનલ કરી દીધું હોવાના અહેવાલ છે. થોડા દિવસ પહેલા બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ ટુર્નામેન્ટ ભારતમાં રમાશે તેવી જાહેરાત કરી હતી.
કઈ તારીખથી શરૂ થશે આઈપીએલ 2022
અહેવાલ મુજબ ભારતીય ક્રિકેક કંટ્રોલ બોર્ડે આઈપીએલ 2022ની તારીખ નક્કી કરી દીધી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 2 એપ્રિલ ચેન્નઈમાં રમાશે. આ વખતે 10 ટીમો કુલ મળીને 74 મુકાબલા રમશે. ટુર્નામેન્ટની ફાઈનલ જૂનના પ્રથમ સપ્તાહમાં રમાશે.
આ વખતે 10 ટીમો લેશે ભાગ
આઈપીએલની ગત બે સીઝન યુએઈમાં રમાઈ હતી. 2021માં કોરોનાના કારણે આઈપીએલ ભારતમાં સ્થગિત થયા બાદ દુબઈ ખસેડવામાં આવી હતી. બીસીસીઆઈએ આ વખતે આઈપીએલમાં 10 ટીમો ઉતારવાનો ફેંસલો કર્યો છે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમોનો સમાવેશ કરાયો છે.
IPL 2021નો ખિતાબ મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને જીત્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના કારણે પ્રથમ મેચમાં સીએસકેનો સામનો પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈમાં આગામી સીઝન 60થી વધારે દિવસો ચલાવવા પર સહમતિ બની ગઈ છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ફાઈનલ મેચ યોજાશે, જેની સંભવિત તારીખ 4 કે 5 જૂન છે.
આ વખતની આઈપીએલમાં શું છે ખાસ
આ વખતે આઈપીએલમાં મેગા ઓક્શન ખાસ છે. ચાર ખેલાડીઓને દરેક ટીમ રિટેન કરી શકે છે. બાકીના ખેલાડી ઓક્શનમાં જશે. ટીમો તેમનું પ્લાનિંગ કરી રહી છે. અમદાવાદ અને લખનઉની ટીમના આગમનથી રોમાંચ વધશે. આ બંને ટીમો પોતાની ટીમમાં કયા ખેલાડીનો સમાવેશ કરશે તેના પર પણ ઓક્શનમાં નજર રહેશે.