IPL 2023, RCB vs MI: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં મુંબઇએ 6 વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે. 200 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે માત્ર 16.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાનેથી સીધા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વિજય બાદ મુંબઈ પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજી તરફ બેંગ્લોરની ટીમ હાર બાદ છઠ્ઠા નંબરથી સાતમા નંબર પર આવી ગઈ છે.






આ શાનદાર જીત બાદ મુંબઈના નેટ રનરેટમાં મોટો ફેરફાર થયો છે. મેચ પહેલા મુંબઈનો નેટ રન રેટ -0.454 હતો અને હવે તે -0.255 થઈ ગયો છે અને મુંબઈના પણ 12 પોઈન્ટ થઈ ગયા છે. મેચ પહેલા બેંગ્લોરની ટીમ 10માંથી 5 જીત, 10 પોઈન્ટ અને -0.209 નેટ રનરેટ સાથે છઠ્ઠા નંબર પર હતી પરંતુ હવે ટીમ -0.345 નેટ રનરેટ સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે.


અન્ય ટીમોની સ્થિતિ


પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે નંબર વન, ચેન્નઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ સાથે બીજા નંબરે, મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે, લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને 0.388 નેટ રનરેટ સાથે પાંચમા નંબરે છે.


ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ 5 જીત, 10 પોઈન્ટ અને -0.079 નેટ રનરેટ સાથે છઠ્ઠા, RCB 5 જીત, 10 પોઈન્ટ અને -0.345 નેટ રનરેટ સાથે સાતમા, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે અને દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે.


મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું


મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવીને આઈપીએલ 2023માં છઠ્ઠી જીત નોંધાવી છે. આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા અને મેચ છ વિકેટે જીતી લીધી. સૂર્યકુમારને શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. નેહલ વાઢેરાએ પણ શાનદાર ઈનિંગ રમી અડધી સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છ વિકેટે 199 રન બનાવ્યા હતા. RCB તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 65 રનની ઇનિંગ રમી હતી. આ બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. આ કારણે RCB ટીમ મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. દિનેશ કાર્તિકે પણ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવ્યા અને 30 રનની ઇનિંગ રમી હતી.