LSG vs GT: ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 7 રનથી હરાવ્યું હતું. ગુજરાતે છેલ્લી ઓવરમાં સતત 4 વિકેટ લઈને મેચની દિશા બદલી નાખી હતી. ઓછા સ્કોર છતાં ગુજરાતે બોલરોના દમ પર મેચ જીતી લીધી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરતા 135 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌના ખેલાડીઓ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 128 રન જ બનાવી શક્યા હતા.
કેએલ રાહુલ અને કાયલ માયર્સે ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી
135 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઇનિંગ્સની શરૂઆત કરનાર કેપ્ટન કેએલ રાહુલ અને કાયલ માયર્સની જોડીએ આક્રમક શરૂઆત અપાવવાનું કામ કર્યું હતું. બંનેએ પ્રથમ 6 ઓવરમાં ટીમનો સ્કોર 53 રન સુધી પહોંચાડ્યો હતો, જેના કારણે ગુજરાત ટાઇટન્સના બોલરો સંપૂર્ણપણે દબાણમાં આવી ગયા હતા. જોકે, 55ના સ્કોર પર લખનૌની ટીમને પહેલો ફટકો માયર્સના રૂપમાં લાગ્યો હતો, જે 19 બોલમાં 24 રનની ઇનિંગ રમ્યા બાદ રાશિદ ખાનના હાથે બોલ્ડ થયો હતો.
કેએલ રાહુલને ક્રુણાલનો સાથ મળ્યો, બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ
આ પીચ પર ગુજરાતની ઇનિંગ્સ દરમિયાન સ્પષ્ટ થઈ ગયું હતું કે અહીં ઝડપી રન બનાવવું સરળ કામ નથી. આવી સ્થિતિમાં, પ્રથમ વિકેટ પડ્યા પછી, KL રાહુલને સપોર્ટ કરવા મેદાનમાં આવેલા કૃણાલ પંડ્યાએ રનની ગતિ સતત જાળવી રાખી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 48 બોલમાં 51 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં નિર્ણાયક સમયે ક્રુણાલ પંડ્યાએ 23 બોલમાં 23 રનની ઇનિંગ રમ્યા બાદ નૂર અહેમદના બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.
લખનૌને છેલ્લી 4 ઓવરમાં 27 રનની જરૂર હતી
કૃણાલ પંડ્યા પેવેલિયન પરત ફર્યા બાદ ગુજરાતને આ મેચમાં વાપસી કરવાની તક મળી હતી. 16 ઓવરના અંતે લખનૌનો સ્કોર 2 વિકેટના નુકસાને 109 રન હતો અને તેને જીતવા માટે છેલ્લી 4 ઓવરમાં 27 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં ટીમે 110ના સ્કોર પર નિકોલસ પૂરનના રૂપમાં ત્રીજી વિકેટ પણ ગુમાવી હતી. આ પછી છેલ્લી 2 ઓવરમાં ટીમને જીતવા માટે 17 રનની જરૂર હતી.
લખનૌની ટીમ 19મી ઓવરમાં માત્ર 5 રન જ બનાવી શકી હતી, જેના કારણે ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી. ગુજરાત તરફથી ઓવર ફેંકવા આવેલા મોહિત શર્માએ આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા અને રાહુલ અને સ્ટોઈનિસને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા, આ ઉપરાંત આ ઓવરમાં હુડા અને બદોની રનઆઉટ થયા હતા. લખનૌની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 128 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી બોલિંગમાં નૂર અહેમદ અને મોહિત શર્માએ 2-2 જ્યારે રાશિદ ખાને 1 વિકેટ પોતાના નામે કરી હતી.
લખનઉ સુપરજાયન્ટ્સ પ્લેઇંગ-11: કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, નવીન ઉલ હક, અમિત મિશ્રા, આવેશ ખાન અને રવિ બિશ્નોઈ.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ અને મોહિત શર્મા.