GT vs LSG IPL 2023: ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર ખરાબ રીતે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરીને ગુજરાતે શુભમન ગિલના અણનમ 94 અને રિદ્ધિમાન સાહાના 81 રનની મદદથી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 8 ઓવરમાં કોઈ પણ વિકેટ વિના 88 રન બનાવ્યા બાદ નિર્ધારિત 20 ઓવરના અંતે 171 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. મોહિતે ચાર ઓવરમાં માત્ર 29 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
કાયલ મેયર્સ અને ક્વિન્ટન ડી કોકે ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી
228 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ક્વિન્ટન ડી કોક લખનૌની ટીમ તરફથી આ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરવા કાયલ મેયર્સ સાથે મેદાન પર આવ્યો હતો. બંનેએ ટીમને ઝડપી શરૂઆત અપાવી અને પ્રથમ 6 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના સ્કોર 72 રન સુધી પહોંચાડ્યો. લખનૌની ટીમને આ મેચમાં પહેલો ફટકો ઇનિંગ્સની 9મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે 48ના અંગત સ્કોર પર કાયલ મેયર્સ મોહિત શર્માના હાથે તેનો શિકાર બન્યો.
ગુજરાતના બોલરોએ દબાણ સર્જ્યું
કાયલ મેયર્સને પેવેલિયનમાં મોકલ્યા બાદ આ મેચમાં ગુજરાતના બોલરોનું પુનરાગમન થયું હતું. ક્વિન્ટન ડી કોકને સપોર્ટ કરવા મેદાનમાં ઉતરેલા દીપક હુડ્ડા અપેક્ષા મુજબ રન બનાવી શક્યા ન હતા. 114 રનના સ્કોર પર લખનૌની ટીમને બીજો ફટકો હુડ્ડાના રૂપમાં લાગ્યો હતો, જે 11 બોલમાં 11 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
અચાનક ઝડપી વિકેટ ગુમાવવાને કારણે લખનૌ મેચમાં વાપસી ન કરી શકી
લખનૌની ટીમના બેટ્સમેનો પર રન રેટ વધારવાનું દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. 130ના સ્કોર પર ટીમને ત્રીજો ફટકો માર્કસ સ્ટોઈનિસના રૂપમાં લાગ્યો હતો. જે માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 140ના સ્કોર પર લખનૌને સૌથી મોટો ફટકો ક્વિન્ટન ડી કોકના રૂપમાં લાગ્યો હતો, જે 41 બોલમાં 70 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી લખનૌ માટે મેચમાં પરત ફરવાના તમામ દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. લખનૌ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી બોલિંગમાં મોહિત શર્માએ 4 જ્યારે મોહમ્મદ શમી, રાશિદ ખાન અને નૂર અહેમદે 1-1 વિકેટ ઝડપી હતી.