Indian Premier League 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આ દરમિયાન  પંજાબ કિંગ્સની ટીમને જોની બેયરસ્ટોના રૂપમાં મોટો આંચકો લાગ્યો છે, જે હજુ સુધી તેના પગની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. ઈજામાંથી સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે બેયરસ્ટો આગામી આઈપીએલ સિઝનમાં રમતા જોવા મળશે નહીં. 33 વર્ષીય જોની બેયરસ્ટોને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મિત્રો સાથે ગોલ્ફ રમતી વખતે ઈજા થઈ હતી, જેમાં તેના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેની પગની ઘૂંટી પણ વળી ગઈ હતી. આ ઈજા બાદ તેને લંડનમાં સર્જરી કરાવવી પડી હતી.


હવે ગાર્ડિયનના એક અહેવાલ મુજબ  સર્જરી પછી પગમાં મેટલ પ્લેટ લગાવનાર જોની બેયરસ્ટો વધુ થોડો સમય મેદાનથી દૂર રહેવા જઈ રહ્યો છે, જેથી તે પોતાની રિકવરી પર સંપૂર્ણ ધ્યાન આપી શકે. જો કે, હજુ સુધી બેયરસ્ટોને લઈને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને પંજાબ કિંગ્સ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.


પંજાબ કિંગ્સે તેની પ્રથમ મેચ 1લી એપ્રિલે રમવાની છે


IPLની આગામી સિઝનમાં પંજાબ કિંગ્સની ટીમ શિખર ધવનની કેપ્ટન્સીમાં રમશે. આ સિઝનમાં, ટીમ 1 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. પંજાબની ટીમને વિસ્ફોટક ખેલાડીઓ તરીકે જોઈએ તો તેમાં લિયામ લિવિંગસ્ટનનું નામ સૌથી પહેલા આવે છે.


આ સિવાય ટીમમાં સેમ કરણ પણ હશે, જેને આ સિઝનની હરાજી દરમિયાન 18.50 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ 2 મેચ વિજેતા ખેલાડીઓ ઉપરાંત, પંજાબ કિંગ્સ પાસે કાગિસો રબાડા અને નાથન એલિસના રૂપમાં 2 ઉત્તમ ઝડપી બોલર પણ છે.  


મુંબઈ ઈન્ડિયન્સે RCBને 4 વિકેટથી મ્હાત આપી


મહિલા પ્રીમિયર લીગ (WPL) ની 19મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ મહિલા ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમને 126 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 16.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો અને ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવી લીધું હતું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમ તરફથી અમેલિયા કેરનું બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.


126 રનના ટાર્ગેટનો પીછો કરતા  મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી.  જેમાં હેલી મેથ્યુસ અને યાસ્તિકા ભાટિયાએ પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને મેચને સંપૂર્ણપણે એકતરફી કરી દીધી. પરંતુ આ પછી મુંબઈ ઈન્ડિયન્સે 73ના સ્કોર સુધી પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.


અહીંથી અમેલિયા કેરે પૂજા વસ્ત્રાકર સાથે મળીને 5મી વિકેટ માટે 47 રનની મેચ વિનિંગ ભાગીદારી કરીને ટીમને આ મેચમાં આસાન જીત અપાવી હતી. અમેલિયાએ 31 રનની ઇનિંગ રમી હતી.  જ્યારે પૂજાએ 19 રન બનાવ્યા હતા. RCB મહિલા ટીમ માટે આ મેચમાં કનિકા આહુજાએ 2 જ્યારે મેગન શુટ, શ્રેયંકા પાટીલ, એલિસ પેરી, આશા શોબાનાએ 1-1 વિકેટ લીધી હતી.