RCB vs RR IPL 2023: IPLની 16મી સિઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ને 7 રનથી હરાવીને આ સિઝનમાં તેમની ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમને 190 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ RCB તરફથી મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા આ ટાર્ગેટ હાંસલ કરવા દીધો નહોતો. આ મેચમાં હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. રાજસ્થાનની ટીમને આ મેચની છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રન બનાવવાના હતા, પરંતુ તે માત્ર 12 રન જ બનાવી શકી હતી.


જોસ બટલર નિરાશ, યશસ્વીને પડીકલનો સાથ મળ્યો


190 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત જરા પણ સારી રહી ન હતી અને ટીમે ઈનિંગના ચોથા બોલ પર જોસ બટલરના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ સિરાજે તેના શાનદાર ઇનસ્વિંગ બોલ પર શૂન્યના અંગત સ્કોર પર બટલરને પેવેલિયન મોકલવાનું કામ કર્યું હતું. આ પછી યશસ્વી જયસ્વાલને દેવદત્ત પડિકલનો સાથ મળ્યો, ત્યારબાદ બંનેએ મળીને પ્રથમ 6 ઓવરમાં ટીમનો સ્કોર 47 રન સુધી પહોંચાડ્યો.


પડીક્કલ અને જયસ્વાલની ભાગીદારીએ મેચને રોમાંચક બનાવી દીધી હતી


શરૂઆતની 6 ઓવરમાં ટીમના દાવને સંભાળ્યા બાદ દેવદત્ત પડિકલ અને યશસ્વી જયસ્વાલે રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં બંને ખેલાડીઓ 10 ઓવરના અંતે 92 રનના સ્કોર સુધી પહોંચ્યા હતા. દેવદત્તે આ મેચમાં 30 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. રાજસ્થાનની ટીમને આ મેચમાં બીજો ઝટકો 99ના સ્કોર પર પડીકલના રૂપમાં લાગ્યો હતો, જે 52 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલે બીજી વિકેટ માટે 66 બોલમાં 98 રનની ભાગીદારી નોંધાવી હતી.


છેલ્લી ઓવરોમાં ઝડપી વિકેટ ગુમાવતા રાજસ્થાન સાથેની મેચ સરકી ગઈ હતી


દેવદત્ત પદ્દીકલની વિકેટ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ મેચમાં વાપસી કરતા ઝડપથી વિકેટ લેવાનું શરૂ કર્યું, જેના કારણે રાજસ્થાનના રન રેટ પર તેની અસર જોવા મળી. રાજસ્થાનની ટીમને 108ના સ્કોર પર ત્રીજો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો, જે 37 બોલમાં 47 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન સંજુ સેમસને પણ 22 રનની ઇનિંગ રમ્યા બાદ નિર્ણાયક સમયે પોતાની વિકેટ ગુમાવી હતી. ધ્રુવ જુરેલે આ મેચમાં 16 બોલમાં 34 રનની અણનમ ઈનિંગ રમીને રાજસ્થાનને જીતાડવાનો ચોક્કસ પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેમાં સફળ થઈ શક્યો નહોતો. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન જ બનાવી શકી હતી અને તેને 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબી માટે આ મેચમાં હર્ષલ પટેલે 3 જ્યારે ડેવિડ વિલી અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી.


 










રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ-11

ફાફ ડુ પ્લેસીસ, વિરાટ કોહલી(કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ડેવિડ વિલી, વાનિન્દુ હસરંગા, મોહમ્મદ સિરાજ, સુયશ પ્રભુદેસાઈ, વિજયકુમાર વૈશાક








રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11





જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન(w/c), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ