IPL 2024 Auction List: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વિદેશમાં હરાજી થશે. IPL ગવર્નિંગ કાઉન્સિલે હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે.
આ વખતે આ મિની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય છે, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે. ઉપરાંત આ યાદીમાં 111 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ છે.
આ યાદીમાં 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે
હરાજી માટેની યાદીમાં બે સહયોગી દેશોના ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. IPL 2024 માટે તમામ 10 ટીમોમાં કુલ 77 ખેલાડીઓની ખરીદી કરાશે. મતલબ કે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ જ ખરીદી શકાશે.
IPL દ્વારા જાહેર કરાયેલા ખેલાડીઓની યાદીમાં એવા 23 ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. જ્યારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય 1 કરોડ, 50 લાખ, 75 લાખ, 40 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.
ગુજરાતની ટીમના પર્સમાં સૌથી વધુ રૂપિયા
નોંધનીય છે કે ગુજરાત ટાઇટન્સના પર્સમાં સૌથી વધુ 38.15 કરોડ રૂપિયા બાકી છે. એટલે કે આ ટીમ હરાજીમાં સૌથી વધુ પૈસા ખર્ચી શકે છે. જ્યારે હવે તેને માત્ર 8 ખેલાડીઓ ખરીદવાના છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પાસે તેમના પર્સમાં સૌથી ઓછા 13.15 કરોડ રૂપિયા બાકી છે. આ ટીમે હવે 6 વધુ ખેલાડીઓ ખરીદવા પડશે.