IPL 2024 Jasprit Bumrah: સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને અનફોલો કરી દીધું છે. જેના કારણે આ ટીમ સાથેના તેના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે. બુમરાહે ઈન્સ્ટાગ્રામ સ્ટૉરી પર એક ક્રિપ્ટિક પૉસ્ટ કરીને મોટો મેસેજ શેર કર્યા છે. આમાં તેણે લખ્યું, 'ક્યારેક લોભી હોવું સારું છે અને વફાદાર હોવું નહીં.' અને 'ક્યારેક મૌન શ્રેષ્ઠ જવાબ છે.' અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બુમરાહે તેની IPL ફ્રેન્ચાઇઝી ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી છે.


જોકે, બુમરાહ અચાનક મુંબઈ ઈન્ડિયન્સથી કેમ નારાજ થઈ ગયો અને તે સોશ્યલ મીડિયા પર આ રીતે પોતાની નારાજગી શા માટે વ્યક્ત કરી રહ્યો છે તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સોશ્યલ મીડિયા પર વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.






આ પહેલા સોમવારે મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી હતી કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પરત ફરી રહ્યો છે. બે વર્ષ બાદ હાર્દિક ફરી મુંબઈની ટીમ સાથે જોડાયો છે. આ પહેલા તે બે વર્ષ સુધી ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો.


પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે 2022માં ટાઈટલ જીત્યું હતું અને ત્યારબાદ 2023માં ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. પોતાની પહેલી જ સિઝનમાં ટીમને ટાઈટલ અપાવનાર પંડ્યાની ખૂબ પ્રશંસા થઈ હતી. પંડ્યાની કપ્તાનીમાં ટીમ આગામી સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી. અહીં એક ખૂબ જ રોમાંચક મેચમાં તેને છેલ્લા બૉલ પર ચેન્નાઈ સુપર કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.


જોકે આ 30 વર્ષીય ખેલાડીને ગુજરાત ટાઇટન્સે રિટેન રાખ્યો હતો, પરંતુ તેના થોડા સમય પછી સમાચાર આવ્યા કે મુંબઈ ઈન્ડિયન્સે તેને ગુજરાત સાથે સોદો કર્યો છે. આ સાથે મુંબઈએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કર્યો છે.


ઇન્ટરનેટ પર કેટલાક સ્ક્રીનશૉટ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ચાઇઝીને અનફોલો કરી દીધી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બુમરાહ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાઈ શકે છે. કેટલાક ચાહકો એવું પણ કહી રહ્યા છે કે હાર્દિક પંડ્યાનું મુંબઈ આવવું તેનું કારણ છે. જોકે, આ દરમિયાન કેટલાક લોકો એવા છે જેઓ કોઈપણ પ્રકારની અટકળો કરવાથી બચવાની સલાહ આપી રહ્યા છે.


બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મહત્વનો ભાગ રહ્યો છે. તે તેની IPL કારકિર્દીની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહ્યો છે. તે 2015માં આ ટીમમાં જોડાયો હતો. બુમરાહે 23.30ની એવરેજથી 145 વિકેટ લીધી છે. તેણે મુંબઈ માટે ચાર સિઝન રમી છે. 2015, 2017, 2019 અને 2020માં ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે સોશ્યલ મીડિયા પર તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.