RR vs DC: IPL 2024ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું હતું. 9મી વખત હોમ ટીમે મેચ જીતી છે. રાજસ્થાન માટે પહેલા રિયાન પરાગે 84 રનની અણનમ ઈનિંગ રમી અને પછી બોલરોએ પોતાનું કામ કરી શાનદાર જીત અપાવી. રાજસ્થાનની આ સતત બીજી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો સતત બીજો પરાજય છે. દિલ્હીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા, પરંતુ આવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને પોતાની ટીમને જીત અપાવી. દિલ્હી માટે ટ્રસ્ટન સ્ટબ્સે 23 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાલી શક્યો ન હતો.
રાજસ્થાનનો રોમાંચક વિજય
લક્ષ્યનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સે પણ પ્રથમ 2 વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. સ્કોર 30 રન હતો ત્યાં સુધીમાં મિશેલ માર્શ અને રિકી ભુઈ પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન ડેવિડ વોર્નરે 34 બોલમાં 49 રનની ઇનિંગ રમતા 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્ટન ઋષભ પંતે 26 બોલમાં 28 રન બનાવ્યા, પરંતુ ડીસીને જીત સુધી લઈ જઈ શક્યો નહીં. દિલ્હીને છેલ્લા 24 બોલમાં 60 રનની જરૂર હતી, પરંતુ ત્યાર બાદ અશ્વિને 17મી ઓવરમાં 19 રન આપ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે મેચ પલટી જશે અને ટ્રીસ્ટન સ્ટબ્સની 23 બોલમાં 44 રનની ઇનિંગે ડીસી માટે જીતની આશા જગાવી. આ દરમિયાન સંદીપ શર્માએ 19મી ઓવરમાં 15 રન આપ્યા, જેના કારણે દિલ્હી છેલ્લી ઓવર સુધી મેચમાં રહી. છેલ્લી ઓવરમાં ડીસીને 19 રનની જરૂર હતી, પરંતુ આવેશ ખાને સારી બોલિંગ કરી અને રાજસ્થાનને 12 રનથી જીતાડવામાં મદદ કરી.
રાજસ્થાને દિલ્હીને 185 રનનો ટાર્ગેટ આપ્યો
એક સમયે 8મી ઓવરમાં માત્ર 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી રિયાન પરાગે રમત બદલી નાખતી ઇનિંગ્સ રમી હતી. પરાગે માત્ર 45 બોલમાં 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. પરાગ ઉપરાંત અશ્વિને 29 રન, ધ્રુવ જુરેલે 20 રન અને શિમરન હેટમાયરે 14 અણનમ રન બનાવ્યા હતા. દિલ્હીના તમામ બોલરોએ એક-એક વિકેટ લીધી હતી.
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ-11
રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11
સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, આવેશ ખાન.