ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટની 18મી સીઝન શરૂ થવાના માત્ર પાંચ દિવસ પહેલાં ભૂતપૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વેચાઈ ગઈ છે. ગુજરાતના જાણીતા ટોરેન્ટ ગ્રુપે સોમવારે, 17 માર્ચે ગુજરાત ટાઇટન્સનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે.


ગુજરાત ટાઇટન્સ 2021માં IPLમાં સામેલ થઈ હતી અને ત્યારબાદ CVC કેપિટલ્સે તેને રૂ. 5600 કરોડમાં ખરીદી હતી. ટીમે 2022માં પોતાની પ્રથમ સિઝનમાં જ હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ખિતાબ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ગત સિઝનમાં પણ ટીમ ફાઇનલમાં પહોંચી હતી.


ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ, જે પાવર અને ફાર્મા ક્ષેત્રે ભારતની અગ્રણી કંપનીઓમાંની એક છે, તેણે સોમવારે ફ્રેન્ચાઇઝીનું સંપાદન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. જો કે, ટોરેન્ટ ગ્રુપે ફ્રેન્ચાઇઝીમાં સંપૂર્ણ 100 ટકા હિસ્સો ખરીદ્યો નથી. રિપોર્ટ મુજબ, CVC કેપિટલ્સની પેટાકંપની ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ફ્રેન્ચાઇઝીનું સંચાલન કરી રહી હતી. હવે ટોરેન્ટ ગ્રુપે તેના 67 ટકા હિસ્સાની ખરીદી કરીને ફ્રેન્ચાઇઝી પર નિયંત્રણ મેળવ્યું છે.


આ ડીલની રકમનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે, મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઇટન્સનું વર્તમાન મૂલ્ય આશરે રૂ. 7500 કરોડ હોવાનો અંદાજ છે. આ સ્થિતિમાં ટોરેન્ટ ગ્રુપે લગભગ રૂ. 5025 કરોડ ચૂકવીને આ હિસ્સો ખરીદ્યો હોઈ શકે છે. CVC કેપિટલ હજુ પણ ફર્મમાં 33 ટકા હિસ્સો ધરાવશે.


ઉલ્લેખનીય છે કે 2021માં BCCI દ્વારા આયોજિત ઈ-ઓક્શનમાં CVC કેપિટલ્સે અમદાવાદ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ બોલી લગાવી હતી. કંપનીએ રૂ. 5625 કરોડની બોલી લગાવીને આ ફ્રેન્ચાઈઝી હસ્તગત કરી હતી અને તે IPLના ઈતિહાસમાં બીજી સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની હતી. લખનૌની ફ્રેન્ચાઈઝીને ગોએન્કા ગ્રુપે 7 હજાર કરોડ રૂપિયાથી વધુની બોલી સાથે ખરીદી હતી, જે સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી સાબિત થઈ હતી.


ટોરેન્ટ ગ્રુપે આ ડીલ અંગેના કરારની જાહેરાત 12 ફેબ્રુઆરીના રોજ કરી હતી. જ્યાં સુધી ટીમની વાત છે, માલિકીમાં ફેરફારની આ સિઝનમાં ટીમના મેનેજમેન્ટ પર કોઈ અસર થશે નહીં. ટીમની કમાન હજુ પણ શુભમન ગિલના હાથમાં છે, જે ગત સિઝનમાં ટીમનો કેપ્ટન બન્યો હતો. મુખ્ય કોચ તરીકે આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર તરીકે વિક્રમ સોલંકી પણ યથાવત રહેશે. આમ, ગુજરાત ટાઇટન્સ નવી માલિકી હેઠળ પણ પોતાના જૂના જોશ અને જુસ્સા સાથે IPL 2025માં ઉતરશે.