IPL 2022, Punjab Kings: ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રિન્ટેશનની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે અને પંજાબ કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલે અગાઉથી જ ટીમથી અલગ થઇ ગયો છે અને હવે આસિસ્ટન્ટ કોચ એન્ડી ફ્લાવરે પણ રાજીનામું આપી દીધું છે. આઇપીએલ 2022 અગાઉ પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી નથી એવામાં નવી  સીઝન અગાઉ ટીમે ઘણુ કામ કરવાનું રહેશે.


ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ અનુસાર ઝિમ્બાબ્વેના પૂર્વ ખેલાડી એન્ડી ફ્લાવરે પંજાબ કિંગ્સના આસિસ્ટન્ટ કોચના પદેથી રાજીનામું આપી દીધું છે. આઇપીએલ 2022માં તે કોઇ નવી ટીમ સાથે જોડાઇ શકે છે. ઝિમ્બાબ્વેના મોટા પ્લેયર અને કેપ્ટન રહી ચૂકેલા એન્ડી ફ્લાવર અગાઉ ઇગ્લેન્ડ ક્રિકેટ ટીમનું કોચિંગ કરી ચૂક્યા છે. વર્ષ 2020માં તેઓએ આઇપીએલમાં એન્ટ્રી લીધી હતી અને પંજાબ કિંગ્સ સાથે જોડાયા હતા. એક બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે એન્ડી ફ્લાવરે  પોતાનું રાજીનામું ટીમને આપી દીધું છે અને તેને સ્વીકારી પણ લેવામાં આવ્યું છે.


માનવામાં આવી રહ્યું છે કે એન્ડી ફ્લાવર લખનઉ અને અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે. નોંધનીય છે કે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ ટીમથી અલગ થઇ ચૂક્યો છે. એક રિપોર્ટ અનુસાર લોકેશ રાહુલ લખનઉ ટીમની સાથે જોડાઇ શકે છે.


એન્ડી ફ્લાવરની વાત કરવામાં આવે તો તે અનેક ટીમોને કોચિંગ આપી ચૂક્યા છે. સીપીએલમાં સેન્ટ લૂસિયા કિંગ્સ, ઇગ્લેન્ડની નેશનલ ક્રિકેટ ટીમની પણ કોચિંગ કરી ચૂક્યા છે. પંજાબ કિંગ્સના કોચિંડ હેડ અનિલ કુંબલે છે જ્યારે વસીમ જાફર બેટિંગ કોચ અને જોન્ટી રોડ્સ ફિલ્ડિંગ કોચ તરીકે ટીમની સાથે છે.


આ વર્ષે  પંજાબ કિંગ્સ ઇલેવને મોટુ પગલુ ભરતા ચાલુ કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરીને તેની જગ્યાએ મયંક અગ્રવાલને રિટેન કર્યો છે. પંજાબ મયંક અગ્રવાલને 12 કરોડ રૂપિયા આપશે. વળી, એક અનકેપ્ડ પ્લેયર તરીકે પંજાબે ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને પણ રિટેન કર્યો છે. મયંક અગ્રવાલ આગામી સિઝનમાં પંજાબની કમાન સંભાળી શકે છે.