IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે, જ્યારે ટી20 ક્રિકેટના સ્ટાર કહેવાતા કેટલાક ખેલાડીને ખરીદવામાં કોઈએ રસ દાખવ્યો નથી. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા. બીજા દિવસની શરૂઆત એડમ માર્કરમની હરાજીથી થઈ છે. આફ્રિકાના ખેલાડીને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.60 કરોડમાં કરારબદ્ધ કર્યો છે.
કોણ છે આ બેટર
ICC T20 રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતાં ઈંગ્લેન્ડના બેટર ડેવિડ મલાન પર પણ કોઈ ફ્રેન્ચાઇઝીએ કળશ ઢોળ્યો નથી. મલાન આઈપીએલમાં એક જ મેચ રમ્યો છે અને તેમાં 26 રન બનાવ્યા હતા. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 ટેસ્ટમાં 1074 રન, 6 વન ડેમાં 158 રન અને 36 ટી20માં 1239 રન બનાવ્યા છે.
બીજા દિવસે આ ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર
- માર્નસ લાબુશેન
- ઈઓન મોર્ગન
- સૌરભ તિવારી
- ડેવિડ મલાન
- એરોન ફિંચ
- ચેતેશ્વર પુજારા
- જેમ્સ નિશામ
- ઈશાંત શર્મા
- ક્રિસ જોર્ડન
- લુંગી એનગિડી
- શેડ્રોલ કોટ્રેલ
- કુલ્ટર નાઈલ
- તારબેઝ શમ્સી
- કાઇસ અહમદ (અફઘાનિસ્તાન)
IPLમાં ઇગ્લેન્ડનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો લિયામ લિવિંગસ્ટોન
IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી. જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.