ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 માટે બીજા દિવસે પણ ઓક્શન ચાલી રહ્યું છે. બીજા દિવસે અનેક ખેલાડીઓ પણ રૂપિયાનો વરસાદ થયો છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અર્જુનની બોલી 20 લાખ રૂપિયાથી શરૂ થઈ અને બાદમાં ગુજરાત ટાઇટન્સે બોલી લગાવી. આવી સ્થિતિમાં અર્જુન તેંડુલકરને આખરે મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


હરાજીમાં કેટલાક ખેલાડીઓને લોટરી લાગી તો કેટલાક ટી20 સ્પેશિયાલિસ્ટને કોઈએ ખરીદ્યા નહોતા. મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરને 8 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. બુમરાહ સાથે આર્ચર બોલિંગ જોડી જમાવીને વિરોધી ટીમને હંફાવશે. તે lPL 35 મેચમાં 46 વિકેટ ઝડપી ચુક્યો છે.


ભારતને અંડર-19 વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટનને હરાજીમાં ના મળી મોટી રકમ


 IPL 2022 માટે મેગા ઓક્શનમાં સેંકડો ભારતીય અને વિદેશી ખેલાડીઓની બોલી લગાવવામાં આવી છે. મેગા ઓક્શનમાં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આશ્વર્યની વાત એ છે કે ભારતને વિજેતા બનાવનાર કેપ્ટન યશ ધુલને હરાજીમાં મોટી રકમ મળી નથી. ટીમોએ તેને ખરીદવા માટે ઊંચી બોલી લગાવી નહોતી. દિલ્હી કેપિટલ્સે રૂ. 50 લાખની બોલી લગાવીને તેને ટીમમાં સામેલ કર્યો છે.


અંડર-19 વર્લ્ડકપની ટીમના અન્ય ખેલાડીઓ રાજ બાવા અને રાજવર્ધન હંગરકરને મોટી રકમ મળી છે. યુવા ખેલાડી રાજ બાવાની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી જેને પંજાબ કિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે રાજવર્ધન હંગરગેકરની બેઝ પ્રાઇસ  30 લાખ હતી અને તેને ચેન્નઈ સુપર કિંગ્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર સાઉથ આફ્રિકાના ખેલાડી ડેવોલ્ડ બ્રેવિસ પર પૈસાનો વરસાદ થયો છે. તેને મુંબઈ ઈન્ડિયન્સે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રેવિસની બેઝ પ્રાઇસ  માત્ર 20 લાખ રૂપિયા હતી, પરંતુ ઘણી ફ્રેન્ચાઈઝીઓએ બિડ કરી અને તેની કિંમત વધી ગઈ. બ્રેવિસને 'જુનિયર ડી વિલિયર્સ' અને 'બેબી એબી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીવાલ્ડ બ્રેવિસે અંડર-19 વર્લ્ડ કપમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તેણે વર્લ્ડ કપમાં 506 રન બનાવ્યા હતા.