ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 માટે બીજા દિવસે પણ ઓક્શન ચાલી રહ્યું છે. બીજા દિવસે અનેક ખેલાડીઓ પણ રૂપિયાનો વરસાદ થયો છે. તેમાં  સૌથી ચોંકાવનારુ નામ ટિમ ડેવિડનું છે. સિંગાપોરમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયા તરફથી રમી ચૂકેલા ટિમ ડેવિડને ખરીદવા માટે મુંબઇએ ખજાનો ખોલ્યો છે. ટિમ ડેવિડની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે તમામ ટીમો પાછળ છોડી 8.25 કરોડ રૂપિયામાં ડેવિડને ખરીદ્યો હતો. હવે આશ્વર્ય થાય કે ટિમ ડેવિડનું નામ પણ કોઇ જાણતું નથી એવામાં તેને ખરીદવામાં મુંબઇએ આટલા બધા રૂપિયા કેમ ખર્ચ્યા હશે. આ પાછળનું કારણ ટિમ ડેવિડનો શાનદાર રેકોર્ડ છે.


તાજેતરમાં જ BBL અને PSLમાં ટિમ ડેવિડના પ્રદર્શનને કારણે IPLની હરાજીમાં તેને ઉંચી કિંમતે ખરીદવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. દિલ્હી કેપિટલ્સે તેના માટે પ્રથમ બોલી લગાવી હતી. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ પણ બિડમાં જોડાઈ ગઇ હતી.  ત્યારબાદ લખનૌ સુપરજાયન્ટ્સે પણ તેના પર દાવ લગાવ્યો હતો. રાજસ્થાન રોયલ્સે પણ ટિમ ડેવિડ પર બોલી લગાવી હતી.


ટિમ ડેવિડને છેલ્લી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. UAE માં રમાયેલી IPL 2021 સિઝનના બીજા તબક્કા માટે ફિન એલનના સ્થાને RCB દ્વારા તેને સાઇન કરવામાં આવ્યો હતો. જોકે, માત્ર એક જ મેચમાં રમવાનો મોકો મળ્યો, જેમાં તે માત્ર 1 રન જ બનાવી શક્યો હતો.


સિંગાપોરમાં જન્મેલો ડેવિડ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14 T20 મેચ રમી છે અને આ તમામ મેચો તેણે સિંગાપુર માટે રમી છે. આ 14 મેચોમાં ડેવિડે 46.50ની શાનદાર એવરેજથી 558 રન બનાવ્યા છે. જ્યારે તેણે 158.5ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે.


ડેવિડને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહુ ઓછા લોકોએ જોયો છે, પરંતુ તેને સૌથી વધુ ઓળખ ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી મળી છે. તે બિગ બેશ લીગ, પાકિસ્તાન સુપર લીગ, ટી20 બ્લાસ્ટ અને ધ હન્ડ્રેડ જેવી ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગથી ઓળખ ઉભી કરી છે. તે પીએસએલમાં મુલતાન સુલતાન તરફથી રમે છે. જ્યાં તેણે 6 ઇનિંગ્સમાં 65.6ની એવરેજ અને 207ની આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી 197 રન બનાવ્યા છે. તેણે 18 સિક્સ પણ ફટકારી છે. જો કે, ડેવિડે તેની T20 કારકિર્દીમાં 84 મેચ રમી છે, જેમાં તેણે 34.8ની એવરેજ અને 159ની સ્ટ્રાઈક રેટથી 1884 રન બનાવ્યા છે.