IPL 2025: આઈપીએલ 2025 સીઝન માટે મેગા ઓક્શન પૂર્ણ થઈ ગયું છે અને દરેક ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. ઋષભ પંત હરાજીમાં ચર્ચામાં રહ્યો હતો, જેને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ અત્યાર સુધી કોઈપણ ખેલાડીને મળેલી સૌથી વધુ રકમ છે. જ્યારે 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2025 પહેલા, 10 ટીમોએ હરાજીમાં 62 વિદેશી સહિત 182 ખેલાડીઓને સાઇન કરવા માટે રૂ. 639.15 કરોડનો ખર્ચ કર્યો હતો.
ઋષભ પંત ઉપરાંત શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયરને પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે અનુક્રમે રૂ. 26.75 કરોડ અને રૂ. 23.75 કરોડની મોટી કિંમતે ખરીદ્યા હતા. અન્ય ખેલાડીઓમાં, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલને પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયાની સમાન કિંમતે ખરીદ્યા હતા જ્યારે જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હરાજી બાદ તમામ 10 ટીમો ઘણી મજબૂત દેખાઈ રહી છે. કોણ નબળું હશે અને કોણ બળવાન હશે તે કહેવું બહુ મુશ્કેલ છે. હરાજીના ટેબલ પર બેઠેલા તમામ ટીમ લીડરોએ ઘણું હોમવર્ક કર્યું હતું, જે હરાજી દરમિયાન દેખાઈ રહ્યું હતું. ખાસ કરીને લખનૌ, દિલ્હી અને રાજસ્થાનની ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓની પસંદગીમાં ખૂબ કાળજી લીધી હતી.
તમામ ટીમોએ હોમ અને અવે મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, કેટલીક ટીમો ઘરઆંગણે મજબૂત હશે, જ્યારે કેટલીક અન્યના ઘરે જઈને તબાહી મચાવી શકે છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે નવા કેપ્ટન, કોચ અને ખેલાડીઓ સાથેની કેટલીક ટીમો આ વખતે જોરદાર વાપસી કરવા જઈ રહી છે. જ્યારે જૂની ચેમ્પિયન ટીમો પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગશે. તે જ સમયે, બે દિવસ સુધી ચાલેલી હરાજીમાં, એક એવું નામ હતું જેના પર બહુ ઓછા લોકોની નજર હતી અને તે છે ગુજરાતનો જયદેવ ઉનડકટ, જેણે આ હરાજીમાં ઇતિહાસ રચ્યો હતો.
વાસ્તવમાં, જયદેવ ઉનડકટ IPLની હરાજીમાં 13મી વખત વેચાયો છે. તેના સિવાય આટલી વખત હરાજીમાં અન્ય કોઈ ખેલાડી વેચાયો નથી. જ્યારે જયદેવ ઉનડકટ 13મી વખત વેચાયો છે, જ્યારે અન્ય કોઈ ખેલાડીની હરાજીમાં સાત વખતથી વધુ બોલી લગાવવામાં આવી નથી. આ વખતે હરાજીમાં ભારતના 33 વર્ષીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી જયદેવને તેની મૂળ કિંમત રૂ. 1 કરોડમાં ખરીદવામાં સફળ રહી હતી.
કરોડોની બોલી લાગે છે
જયદેવ ઉનડકટે વર્ષ 2010માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષે તેને કેટલી રકમ મળી તે અંગે અલગ-અલગ માહિતી ઉપલબ્ધ છે. ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સે વર્ષ 2010 માટે આ બોલરને 8 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ બીજા જ વર્ષે આ ખેલાડીનું નસીબ ચમક્યું અને તેને હરાજીમાં 1.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. 2012માં પણ કોલકાતા સાથે રહ્યો હતો.
બેંગ્લોરે તેને 2013માં ખરીદ્યો હતો. જ્યારે 2014માં તે દિલ્હી વતી રમ્યો હતો અને 2015માં ફરી દિલ્હી સાથે રહ્યો હતો. જ્યારે 2016માં તેને કોલકાતાએ 1.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝન તેના માટે ખાસ ન હતી, ત્યાર બાદ તેને આગામી સિઝનમાં માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ આ સિઝનમાં તેણે પુનરાગમન કર્યું અને 12 મેચમાં 24 વિકેટ લીધી, ત્યારબાદ તેને રાજસ્થાન રોયલ્સે 2018ની સિઝન માટે 11.50 કરોડમાં ખરીદ્યો. તે સીઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો.
આ પણ વાંચો....