CSK vs GT, IPL Final 2023: IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ વરસાદના વિક્ષેપને કારણે હવે રિઝર્વ-ડે એટલે કે 29મી મે (સોમવાર)ના રોજ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. અમદાવાદ શહેરમાં સાંજથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. આ કારણે જ્યારે કટ ઓફ સમય સુધી વરસાદ બંધ ન થયો ત્યારે મેચ અધિકારીઓએ હવે મેચ 29 મેના રોજ રમાડવાનું નક્કી કર્યું છે. આવ સ્થિતિમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને પણ મહત્વની નોટિસ આપવામાં આવી છે.
દર્શકોને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર તેમની ફિઝિકલ ટિકિટ સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી જ્યારે તે આવતીકાલે એટલે કે 29 મેના રોજ મેચ જોવા સ્ટેડિયમ પહોંચે ત્યારે તે આ ટિકિટ દ્વારા પ્રવેશ કરી શકે. ચાહકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પણ ગણી શકાય કારણ કે રવિવાર હોવાના કારણે પણ ઘણા ચાહકો મેચ જોવા માટે આવ્યા હતા. આ સ્થિતિમાં હવે તેમણે બીજા દિવસે ફરીથી સ્ટેડિયમ આવવા માટે તે જ ટિકિટ સુરક્ષિત રાખવી પડશે.
જણાવી દઈએ કે આઈપીએલ ફાઈનલ મેચની ટિકિટ સંપૂર્ણ રીતે વેચાઈ ગઈ હતી. આ મેચમાં ચાહકો સહિત ખેલાડીઓ પણ લાંબા સમયથી મેચ શરૂ થવાની રાહ જોતા હતા. પરંતુ લગભગ 11 વાગ્યાની આસપાસ અમ્પાયરો અને મેચ અધિકારીઓએ ચર્ચા કરી અને મેચ રિઝર્વ-ડે પર રાખવાનો નિર્ણય કર્યો.
હવે મેચ 29 મેના રોજ સાંજે 7:30 કલાકે શરૂ થશે
આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાશે. હવે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ખિતાબી મુકાબલો 29 મેના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.
ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત હેડ ટૂ હેડ -
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચારવાર આમને-સામને આવી ચૂકી છે, જેમાં ગુજરાત 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.
ચેન્નાઇ વિરુદ્ધ પ્લેઓફમાં ગુજરાતની થઇ હતી હાર -
બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેએ ક્વૉલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.