મુંબઈઃ આઈપીએલના દીવાના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મળી છે કે આ વર્ષના અંત સુધીમાં વિદેશમાં આઈપીએલ 2020નું આયોજન થશે અને તેના મટે અનેક દેશ ભારતને સપોર્ટ પણ કરી રહ્યા છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ આુટલુક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રમાશે.

રિપોર્ટ અનુસાર, આ સપ્તાહની શરૂઆતમાં આઈપીએલના તમામ ટીમ માલિકોની મીટિંગ થઈ હતી, જેમાં માલિકોએ વિદેશમાં આયોજનન કરાવવા માટે સહમત થયા છે. અનેક ફ્રેન્ચાઈઝીને આશા છે કે સપ્ટેમ્બર અંતમાં આ લીગનું આયોજન થઈ શકે છે. જોકે, તેના માટે ટી20 વર્લ્ડકપ રદ્દ થવાનું ખૂબ જ  જરૂરી છે. આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ હાલમાં આઈપીએલ પર સત્તાવાર નિવેદન નથી આપી રહ્યા, કારણ કે તે ટી20 વર્લ્ડકપને લઈને આઇસીસીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

ખાલી સ્ટેડિયમમાં થશે આઈપીએલનું આયોજન

કહેવાય છે કે, યૂએઈમાં કોરોના વાયરસ પ્રોટોકોલને જોથા આઈપીએલનું આયોજન ખાલી સ્ટેડિયમમાં થશે. રિપોર્ટમાં એક ટીમ ફ્રેન્ચાઈઝીને ટાંકીને કહ્યું છે કે, ‘આઈપીએલ ટીવી માટે બનાવવામાં આવ્યું છે. જો સ્ટેડિયમમાં ભીડ નહીં આવે તો તેનાથી કોઈ ખાસ ફેર નહીં પડે.’ જ્યારે અન્ય એક ટીમ માલિકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ત્યાં અમારા વિદેશી ખેલાડી રમવા માટે તૈયાર હશે. અમને તૈયારી માટે માત્ર એક મહિનાની જરૂરત છે.

ટી20 વર્લ્ડ કપ રદ્દ થવાનું નક્કી

આઉટલુકના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં આયોજિત થનાર 2020 ટી20 વર્લ્ડકપ રદ્દ થવા પર સહમતિ બની ગઈ છે અને ટૂંકમાં જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.