Kevin O'Brien Retirement: ક્રિકેટ જગત સાથે જોડાયેલા એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. આયર્લેન્ડના ઓલરાઉન્ડર કેવિન ઓ'બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગયા વર્ષે તેણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેનું સંપૂર્ણ ધ્યાન ટી20 અને ટેસ્ટ ક્રિકેટ પર હતું. હવે તે કોઈપણ ફોર્મેટમાં રમતા જોવા નહીં મળે.


વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદીનો છે રેકોર્ડ


આયર્લેન્ડ ક્રિકેટમાં કેવિન ઓ'બ્રાયનના યોગદાનને કોઈ ભૂલી શકે તેમ નથી. વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ કેવિન ઓ'બ્રાયનના નામે છે. આ પરાક્રમ બાદ જ તે વિશ્વ ક્રિકેટમાં ચમક્યો હતો. ઓ'બ્રાયને 2006માં ઈંગ્લેન્ડ સામે 22 વર્ષની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. કેવિન ઓ'બ્રાયનના ભાઈ નીલ ઓ'બ્રાયન 2018માં નિવૃત્તિ લીધી હતી. બંને ભાઈઓ આયર્લેન્ડ ટીમની યાદગાર ક્ષણોના ભાગ રહ્યા છે.






ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી


કેવિન ઓ'બ્રાયને બેંગ્લોરમાં 2011ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 50 બોલમાં સદી પૂરી કરી હતી. આ મેચમાં કેવિન ઓ'બ્રાયને 63 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેની સદીના કારણે જ આયર્લેન્ડે ઈંગ્લેન્ડને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. બ્રાયનની ક્રિકેટ કારકિર્દી ઘણી લાંબી રહી છે. તેણે વનડે અને ટી-20માં પોતાના દેશ માટે ઘણી ઐતિહાસિક ઇનિંગ્સ રમી છે.






કેવી છે કારકિર્દી


કેવિન ઓ'બ્રાયન 153 વનડે અને 110 ટી-20 મેચ રમ્યો છે. બ્રાયન તેની કારકિર્દીમાં માત્ર 3 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. તેણે ટેસ્ટમાં કુલ 258 રન બનાવ્યા હતા. વનડેમાં તેના 3619 રન છે. તેણે ODI ક્રિકેટમાં 2 સદી પણ ફટકારી છે. આ સિવાય તેણે T20માં 1973 રન બનાવ્યા છે. તેણે ટી20માં આયર્લેન્ડ માટે સદી પણ ફટકારી છે. આયર્લેન્ડ તરફથી તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. 113 વન ડેમાં 114 અને 110 ટી-20 ઈન્ટરનેશનલમાં 58 વિકેટ તેણે ઝડપી છે.