નવી દિલ્હીઃ કર્ણાટકના પૂર્વ  બેટ્સમેન જે અરૂણ કુમારને અમેરિકન ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. જે અરૂણ કુમાર આ પહેલા ઘણાં વર્ષો સુધી કર્ણાટકની ટીમનું કોચિંગ કરી ચૂક્યા છે. આઈપીએલમાં પણ કોચિંગ આપી ચૂક્યા છે. જે અરૂણ કુમારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમની સાથે કામ કર્યું છે. તે કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન કોચ રહી ચૂક્યા છે.

અમેરિકાન ક્રિકેટના મુખ્ય કાર્યકારી અધિકારી ઇયાન હિગિંસે પોતાની વેબસાઈટ પર કહ્યું, ‘રણજી ટ્રોફી અને આઈપીએલના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડી અને કોચ જે અરૂણ કુમારને પુરુષોની ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે.’

અરૂણ કુમારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 7,200થી વધારે જ્યારે ક્લાસ એ મેચોમાં 3,000થી વધારે રન બનાવ્યા છે. તેણે 2013-14 અને 2014-15ની સીઝનમાં રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને ઈરાની કપમાં કર્ણાટકનું શાનદાર નેતૃત્વ કર્યું હતું.

45 વર્ષના અરૂણે કોચ બન્યા બાદ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, તેમનો ટાર્ગેટ અમેરિકાને ટેસ્ટ ક્રિકેટ રમતો દેશ બનાવવાનો છે. મેં લાંબા, મધ્ય અને ટૂંકા ગાળાના ટાર્ગેટ બનાવ્યા છે. જોકે મારો મુખ્ય ટાર્ગેટ એ હશે કે અમેરિકા આવનારા દિવસોમાં ટેસ્ટ ક્રિકેટ રમનારા દેશમાં સામેલ થાય.’

તેમણે કહ્યું, ‘આ એક લાંબો ટાર્ગેટ છે, હાલમાં મારું ધ્યાન વર્લ્ડ કપ લીગ પર હશે.’