Jasprit Bumrah Ruled Out: ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. હવે જસપ્રિત બુમરાહ ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહી હોય. બુમરાહ તેની પીઠની ઈજાના કારણે T20 World Cup નહી રમી શકે. બીસીસીઆઈના સોર્સ દ્વારા આ જાણકારી મળી છે.
બુમરાહ ફરીથી ઈજાગ્રસ્ત થયોઃ
આગામી મહિને યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહની પીઠની ઈજા ઘણી ગંભીર છે અને તે આગામી 4 થી 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે. જોકે, BCCIએ હજુ સુધી બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.
બુમરાહ નહી રમી શકે ટી20 વર્લ્ડ કપઃ
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, બુમરાહ પીઠના દુખાવાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જેથી જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જસપ્રિત બુમરાહને કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે સર્જરીની જરૂર નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે જસપ્રિત બુમરાહ 4 થી 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.
જસપ્રિત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ જ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી જસપ્રિત બુમરાહ એશિયા કપમાં રમી ન શક્યો ન હતો અને આ દરમિયાન તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કર્યું હતું. બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. પરંતુ સિરીઝની બે મેચ રમ્યા બાદ જ બુમરાહ ફરી ઈજાગ્રસ્ત થયો હતો.
અત્યારે જસપ્રિત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી20 સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ગઈકાલે બીસીસીઆઈ દ્વારા એક ટ્વીટ કરીને જણાવામાં આવ્યું હતું કે, જસપ્રીત બુમરાહને પીઠમાં દુખાવો છે, જેના કારણે તે પ્રથમ T20 મેચ રમી શક્યો નથી. જસપ્રીત બુમરાહને મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવો થયો હતો જેના કારણે તેને પ્લેઈંગ-11માં પસંદ કરવામાં આવ્યો નથી.