નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ટીવી એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે. છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં રહ્યા બાદ આજે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા છે. બન્નેના લગ્નની તસવીરો ખુદ જસપ્રીત બુમરાહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. 


જસપ્રીત બુમરાહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની બે તસવીરો શેર કરી છે, પ્રથમ તસવીરમાં જસપ્રીત બુમરાહ અને સંજના લગ્ન મંડપમાં બેસેલા દેખાઇ રહ્યાં છે. બન્ને એકબીજા સામે જોઇ રહ્યા છે. 


જ્યારે બીજી તસવીરમાં બુમરાહ અને સંજના લગ્નના ફેરા ફરી રહેલા દેખાઇ રહ્યાં છે. તસવીરમાં સ્પષ્ટપણ દેખાઇ રહ્યું છે કે બન્નેના લગ્ન હિન્દુ રીતરિવાજ અને પરંપરાગત રીતે થઇ રહ્યાં છે. 



ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં જસપ્રીત બુમરાહે બીસીસીઆઇ પાસે લગ્ન કરવા માટે રજાઓની મંજૂરી માંગી હતી, જેને બીસીસીઆઇએ મંજૂર કરી હતી. આ કારણે બુમરાહા અંતિમ ટેસ્ટ અને ટી20 સીરીઝથી દુર થઇને લગ્નની તૈયારીઓમાં જોડાઇ ગયો હતો.


બુમરાહ અને સંજનાના લગ્નના ફંક્શનમા કોરોના મહામારીનુ ધ્યાન રાખવામાં આવ્યુ, આના કારણે ફંક્શનમાં માત્ર નજીકના લોકો અને મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતા. બુમરાહ અને સંજનાના લગ્નની વાત છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. 


કૌણ છે સંજના ગણેશન?
28 વર્ષની સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર છે. છેલ્લા કેટલાય સમયથી તે કેટલીય ટૂર્નામેન્ટોનો ભાગ રહી છે. તે આઇપીએલમાં એક્ટિવ રહેવાની સાથે સ્ટાર સ્પૉર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના વર્લ્ડકપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હૉસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઇટ રાઇડર્સની એન્કર પર રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગૉર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો.