Anshuman Gaekwad: કપિલ દેવની મહેનત રંગ લાવી છે. આખરે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને મદદનો હાથ લંબાવ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah)એ કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ માટે 1 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે.


 






જય શાહે BCCIને કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડને નાણાકીય સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક અસરથી રૂ. 1 કરોડ રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. શાહે ગાયકવાડના પરિવાર સાથે પણ વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.


કપિલ દેવની મહેનત રંગ લાવી


તમને જણાવી દઈએ કે વિશ્વવિજેતા કેપ્ટન કપિલ દેવે BCCIને 'બ્લડ કેન્સર'થી પીડિત પોતાના સાથી ખેલાડી અંશુમન ગાયકવાડની મદદ કરવાની અપીલ કરી હતી. 71 વર્ષીય અંશુમન ગાયકવાડ છેલ્લા એક વર્ષથી લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. BCCI પાસે મદદની વિનંતી કરવા ઉપરાંત, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને સારવાર માટે પોતાનું પેન્શન દાન કરવાનું વચન પણ આપ્યું હતું. હવે, BCCIએ કપિલ દેવની માંગ પર ધ્યાન આપ્યું છે.શનિવારે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ દ્વારા શેર કરવામાં આવ્યું હતું કે તેમની ટીમના સાથી અંશુમન ગાયકવાડ કેન્સરથી પીડિત છે. તેણે કહ્યું કે તેની સાથે રમનાર આ બેટ્સમેન ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. કપિલે બીસીસીઆઈને મદદ માટે વિનંતી કરી હતી. આ સમાચાર સામે આવતા જ BCCI સેક્રેટરીએ અંશુમન ગાયકવાડને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, BCCIની એપેક્સ કાઉન્સિલે જણાવ્યું હતું કે, "BCCI સેક્રેટરી જય શાહે કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને આર્થિક મદદ કરવા માટે તાત્કાલિક અસરથી એક કરોડ રૂપિયા રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. જય શાહે ગાયકવાડના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી છે અને તેમની હેલ્થ સ્થિતિ વિશે માહિતી મેળવી છે. આ ઉપરાંત જરુરી તમામ મદદ પુરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.