નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે એક મોટો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. જો રૂટ હવે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં ચોથો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેને ગૉલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ ચાલી રહેલી બીજી ટેસ્ટમાં 186 રનોની ઇનિંગ રમીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.


જો રૂટ આ મામલામાં પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસન અને ડેવિડ ગૉવરને પાછળ પાડી દીધા છે. રૂટના નામે હવે 99 ટેસ્ટની 180 ઇનિંગમાં 8238 રન થઇ ગયા છે. આ દરમિયાન તેને 19 સદી અને 49 અડધીસદી ફટકારી છે.

ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક ટૉપ પર છે. કૂકે 161 ટેસ્ટ મેચોમાં 12472 રન બનાવ્યા છે. તેના પછી ગ્રાહમ ગૂચ છે, જેના નામે 8900 રન છે. વળી એલેક્સ સ્ટીવર્ટ 8463 રનોની સાથે ત્રીજા નંબર પર છે. જો રૂટ બાદ હવે ગૉવર 8231 રન અને પીટરસન 8181 રન છે.