India squad for ICC Men T20 World Cup 2024 announced: T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. પસંદગીકારોએ ક્રિકેટના મહાકુંભ માટે 2 વિકેટકીપર ખેલાડીઓની પસંદગી કરી છે. આમાં રિષભ પંત અને સંજુ સેમસનનું નામ સામેલ છે.


ટી20 વર્લ્ડ કપ 2024 માટે પસંદગીકારોએ ઘણા મોટા ખેલાડીઓની અવગણના કરી છે. તેમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, રવિ બિશ્નોઈ, રવિચંદ્રન અશ્વિન અને દીપક હુડા જેવા કેટલાક મોટા નામ સામેલ છે. હાલમાં આ સ્ટાર ખેલાડીઓ દેશની પ્રતિષ્ઠિત લીગ IPLમાં ભાગ લઈ રહ્યા છે. આમ છતાં પસંદગીકારોએ આગામી ટુર્નામેન્ટ માટે તેના નામમાં રસ દાખવ્યો નથી.




ટી20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં કેએલ રાહુલ અને ઈશાન કિશનનો સમાવેશ ન કરવો એ આશ્ચર્યજનક નિર્ણય હોવાનું જણાય છે. વાસ્તવમાં બંને સ્ટાર ખેલાડીઓનું પ્રદર્શન તાજેતરના સમયમાં વખાણવાલાયક રહ્યું છે. આમ છતાં પસંદગીકારોએ તેના નામ પર વિચાર કર્યો નથી.


હાલમાં આ બંને સ્ટાર ખેલાડીઓ IPLમાં ભાગ લઈ રહ્યા છે. અહીં તેમણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. રાહુલે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પોતાની ટીમ માટે કુલ 9 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 9 ઇનિંગ્સમાં 42.00ની એવરેજથી 378 રન બનાવ્યા છે. અહીં તેનો સ્ટ્રાઈક રેટ 144.27 છે. ચાલુ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે 7મા સ્થાને છે.


ઈશાન કિશનની વાત કરીએ તો તે IPL 2024માં અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 9 ઇનિંગ્સમાં 23.56ની એવરેજથી 212 રન બનાવ્યા છે. કિશનનો સ્ટ્રાઈક રેટ 165.62 છે.   


બીસીસીઆઈએ પણ શિવમ દુબે અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવમ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે.  આ સાથે તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવે છે. શિવમ દુબેએ આ સીઝનમાં 9 મેચમાં 350 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે.


ટી-20 વર્લ્ડકપ 2024 માટે ભારતની ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.


રિઝર્વઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન