નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મર્યાદિત ઓવરના ક્રિકેટમાં દેશનો સર્વકાલિન સર્વશ્રેષ્ઠ બેટ્સમન હોવાનું પૂર્વ બેટ્સમેન વસીમ જાફરનું માનવું છે. એક ક્રિકેટ વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યુમાં જાફરને રોહિત શર્મા, સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાંથી તેણે કોહલીની પસંદગી કરી હતી.

વર્તમાન સમયમાં સૌથી વધારે સદી ફટકારનારો ખેલાડી છે કોહલી

કોહલી વર્તમાન સમયમાં વન ડે ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારનારો ખેલાડી છે. આ ફોર્મેટમાં સૌથી વધારે સદી ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં સચિન તેંડુલકર પછી બીજા સ્થાન પર છે. મર્યાદીત ઓવરના બંને ફોર્મેટમાં કોહલીએ 50થી વધારેની સરેરાશથી રન બનાવ્યા છે.

જાફરે ગાંગુલીને બતાવ્યો ફેવરિટ કેપ્ટન

ભારત માટે 31 ટેસ્ટ મેચ રમનારા જાફરને ઈન્ટરવ્યુમાં ફેવરેટ કેપ્ટનને લઈ પણ સવાલ કરવામાં આવ્યો. જેના જવાબમાં તેણે સૌરવ ગાંગુલીનું નામ લીધું. જાફરે કહ્યું, સૌરવ ગાંગુલી પાસે ટેમ્પરામેન્ટ હતું. તે ખેલાડીઓનો સાથ આપતો અને ઘણા મોકા આપતો હતો. ગાંગુલીએ સેહવાગ પાસે ઓપનિંગ કરાવ્યું અને હરભજન સિંહ, ઝહીર ખાન, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓને લઈ આવ્યો.

ભારતીય ઘરેલુ ક્રિકેટ રણજી ટ્રોફીમાં અનેક રેકોર્ડ બનાવનારા વસીમ જાફરે ચાલુ વર્ષે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જે બાદ હાલ તે ઉત્તરાખંડ ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ પસંદ કરવામાં આવ્યો હતો. જાફર રણજી ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે.