Virat Kohli On Sourav Ganguly: સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રવાના થયા અગાઉ આજે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. આ દરમિયાન તેણે રોહિત શર્માની સાથે ટકરાવ પર વાત કરી હતી. સાથે વિરાટે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એ દાવા પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો જેમાં ગાંગુલીએ કહ્યું હતું કે તેણે વિરાટ કોહલીને ટી-20 ઇન્ટરનેશનલમાંથી કેપ્ટનશીપ ન છોડવાની વિનંતી કરી હતી.
સૌરવ ગાંગુલીના નિવેદન પર વિરાટ કોહલીએ કહ્યું કે મારા આ નિર્ણયથી કોઇને કોઇ સમસ્યા નહોતી. મને કોઇએ કહ્યું નહોતું કે તમે ટી-20ની કેપ્ટનશીપ ના છોડો. તેણે કહ્યું કે ટી-20 કેપ્ટનશીપ છોડવાની વાત મે સૌ પ્રથમ બીસીસીઆઇને કહ્યુ હતું. તેને ખૂબ સારી રીતે રિસીવ કરવામાં આવ્યો હતો. કોઇને કાંઇ મુશ્કેલી નહોતી થઇ. મને એમ કહેવામાં નહોતું આવ્યું કે તમે ટી-20ની કેપ્ટનશીપ ના છોડો, પરંતુ મારા નિર્ણયથી પ્રશંસા કરવામાં આવી હતી.
કોહલીને વન-ડે ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે વિરાટ કોહલીને કહ્યું હતું કે ટી-20ની કેપ્ટનશીપ છોડે નહી પરંતુ તે કેપ્ટન તરીકે રહેવા માંગતો નહોતો. ગાંગુલીએ કહ્યું કે મે પોતે કોહલીને ટી-20ના કેપ્ટનપદ નહી છોડવાની અપીલ કરી હતી પરંતુ કોહલી પોતાની વાત પણ અડગ રહ્યો હતો.
કોહલીએ સ્પષ્ટ કહ્યું કે તેના અને રોહિત શર્મા વચ્ચે કોઇ અણબનાવ નથી. રોહિતના વખાણ કરતા કોહલીએ કહ્યું કે સાઉથ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ મેચમાં રોહિતની ખોટ વર્તાશે. આ અગાઉ રોહિતે પણ એક ઇન્ટરવ્યૂમાં કોહલીના વખાણ કર્યા હતા.