વિશાખાપટ્ટનમઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો 107 રનથી વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 43.2 ઓવરમાં 280 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 159, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

ભારતની જીતનો હીરો કુલદીપ યાદવ રહ્યો હતો. તેણે આ મેચમાં  હેટ્રિક ઝડપી હતી. 33મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર કુલદીપ યાદવે હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો હતો. તે વન ડેમાં બીજી વખત આવું કારનામું કરનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. કુલદીપે શાઈ હોપ, હોલ્ડર, જોસેફની વિકેટ ઝડપી હતી. આ અગાઉ કુલદીપ યાદવે વન-ડેમાં 2017માં કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામે પણ હેટ્રિક લીધી હતી.


ભારત તરફથી વન ડેમાં સૌ પ્રથમ હેટ્રિક ચેતન શર્માએ લીધી હતી. 1987માં નાગપુરમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે આ કારનામું કર્યું હતું. જે પછી 1991માં શ્રીલંકા સામે કોલકાતામાં કપિલ દેવે હેટ્રિક ઝડપી હતી. આ બે ઘટના બાદ 2017માં ભારતનો કોઈ બોલર હેટ્રિક લઈ શક્યો હતો. 2019ના વર્લ્ડકપમાં મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધી હતી.

વન ડેમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાના નામે સૌથી વધુ હેટ્રિક છે. તે વન ડેમાં ત્રણ વખત આ કારનામું કરી ચુક્યો છે. જ્યારે પાકિસ્તાનના વસીમ અક્રમ અને સકલીન મુશ્તાક, શ્રીલંકાનો ચામિંડા વાસ, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બાઉલ્ટ અને ભારતનો કુલદીપ યાદવ 2-2 વખત વન ડેમાં હેટ્રિક લઇ ચુક્યા છે.