વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન પોલાર્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 159, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. શ્રેયસ ઐયરે 32 બોલમાં 52 રન અને રિષભ પંતે 16 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી.

મેચ જીતવા આપેલા 388 રનના ટાર્ગેટને હાંસલ કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 33 ઓવરમાં 210 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી છે. 33મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર કુલદીપ યાદવે હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો હતો. તે વન ડેમાં બીજી વખત આવું કારનામું કરનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે.

કુલદીપે 33મી ઓવરના ચોથા બોલ પર શાઈ હોપને 78 રનના અંગત સ્કોર પર કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ પાંચમાં બોલ પર હોલ્ડરનું પંતે સ્ટંપિંગ કર્યું હતું. ઓવરના અંતિમ બોલ પર જોસેફને કેદાર જાધવના હાથમાં કેચ આઉટ કરાવી કુલદીપે હેટ્રિક લીધી હતી. તેની સાથે જ તેણે વન ડેમાં બીજી વખત આ હેટ્રિક લીધી હતી. આ પહેલા તેણે 2017માં કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામે પણ હેટ્રિક લીધી હતી.


ભારતના આ બોલરો લઈ ચુકયા છે વન ડેમાં હેટ્રિક

ભારત તરફથી વન ડેમાં સૌ પ્રથમ હેટ્રિક ચેતન શર્માએ લીધી હતી. 1987માં નાગપુરમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે આ કારનામું કર્યું હતું. જે પછી 1991માં શ્રીલંકા સામે કોલકાતામાં કપિલ દેવે હેટ્રિક ઝડપી હતી. આ બે ઘટના બાદ 2017માં ભારતનો કોઈ બોલર હેટ્રિક લઈ શક્યો હતો. 2019ના વર્લ્ડકપમાં મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધી હતી.

વન ડેમાં સૌથી વધુ મલિંગાના નામે છે હેટ્રિક

વન ડેમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાના નામે સૌથી વધુ હેટ્રિક છે. તે વન ડેમાં ત્રણ વખત આ કારનામું કરી ચુક્યો છે. જ્યારે પાકિસ્તાનના વસીમ અક્રમ અને સકલીન મુશ્તાક, શ્રીલંકાનો ચામિંડા વાસ, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બાઉલ્ટ અને ભારતનો કુલદીપ યાદવ 2-2 વખત વન ડેમાં હેટ્રિક લઇ ચુક્યા છે.

IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત

નેહરુ ટિપ્પણી વિવાદઃ જામીન પર મુક્ત થયેલી પાયલ રોહતગીએ કહ્યું, સોશિયલ મીડિયા પર બોલવાનું બંધ નહીં કરું