માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે. અગાઉ પણ સચિને આ રોગચાળા સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
સચીનના જન્મદિવસ પર બીસીસીઆઇ, આઇસીસી સહિત ક્રિકેટના દિગ્ગજોએ શુભકામના પાઠવી છે, ક્રિકેટ લીજેન્ડ્સે સચિનને ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે.
બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી સચિનને જન્મદિવસની શુભકામના પાઠવી છે, આ માટે તેમને એક યાદગાર વીડિયો શેર કર્યો છે, જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક ટેસ્ટ મેચનો છે.
બીસીસીઆઇએ 11 વર્ષ પહેલા સચિન દ્વારા ઇંગ્લેન્ડની ટીમ સામે ફટકારવામાં આવેલા એક શતકનો વીડિયો પૉસ્ટ કર્યો છે, આ વીડિયો ચેન્નાઇ ટેસ્ટનો છે, જેમાં ઇંગ્લેન્ડ વિરુદ્દ 387 રનોના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતા સચિને અણનમ 103 રન બનાવ્યા હતા.
આઇસીસીએ સચિનને જન્મદિવસની શુભકામના પાઠવતા ટ્વીટ કર્યુ, અને એક થ્રેડ શરૂ કર્યો, જેમાં તે ફેન્સ પાસે સચિનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પર મત માંગી રહ્યાં છે.
બીસીસીઆઇ અધ્યક્ષ અને લાંબા સમય સુધી સચિનના ઓપનિંગ પાર્ટનર રહી ચૂકેલા સૌરવ ગાંગુલીએ સચિનને શુભેચ્છા પાઠવી છે.
ઉપરાંત ભારતીય સ્પિનર આર અશ્વિન, કોચ રવિ શાસ્ત્રી, પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓએ સચિનને ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે.