નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને અંડર-19 વર્લ્ડકપ જીતાડનારા મનજોત કાલરા પર છેતરપિંડીના આરોપસર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. છેલ્લા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં સદી ફટકારનારા બેટ્સમેન મનજોત કાલરાને અંડર-16 અને અંડર-19ના દિવસોમાં ઉંમરમાં કથિત છેતરપિંડી કરવાના આરોપસર ડીડીસીએના લોકપાલે રણજી ટ્રોફી રમવાને લઇને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.
દિલ્હીની સીનિયર ટીમના વાઇસ કેપ્ટન નીતિશ રાણાને પણ આવા જ મામલામાં કેટલાક સમય માટે છોડી દેવામાં આવ્યો છે અને તેની પાસેથી વધુ દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે. એક અન્ય અંડર-19 ખેલાડી શિવમ માવીનો મામલો બીસીસીઆઇને સોંપી દેવામાં આવ્યો છે કારણ કે તે સીનિયર ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે.
લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) બદર દુરેજ અહમદે પોતાના કાર્યકાળના અંતિમ દિવસે આદેશ પાસ કર્યો હતો. તેમણે કાલરાને ઉંમર વર્ગની ક્રિકેટમાં બે વર્ષ માટે રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ એનાથી મહત્વપૂર્ણ એ છે કે આ સત્રમાં રણજી ટ્રોફીમાં રમવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. બીસીસીઆઇના રેકોર્ડ અનુસાર, કાલરાની ઉંમર 20 વર્ષ 351 દિવસ છે. તે છેલ્લા સપ્તાહમાં દિલ્હીની અંડર-23 તરફથી બંગાળ વિરુદ્ધ રમ્યો હતો જેમાં તેણે 80 રન બનાવ્યા હતા. તે રણજી ટીમમાં શિખર ધવનનું સ્થાન લેવા તૈયાર છે પરંતુ હવે તે રમી શકશે નહીં. રાણાના મામલામાં લોકપાલે ડીડીસીએ તેના સ્કૂલમાં પૂછપરછ કરવા કહ્યું છે.